વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ હતો. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન છે. ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે પણ ચૂંટણી માટેની રણનીતિ બનાવી લીધી છે. તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. એવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ગુજરાતમાં આવ-જા વધી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેમણે જનસભાઓને સંબોધન કર્યુ હતુ તો જામનગરમાં રોડ-શોનું આયોજન પણ કર્યુ હતુ,આ દરમિયાન તેમમે મોંઘવારી મામલે ઉલ્લેખ કર્યો હતો.
જામનગરની જાહેર સભામાં મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ આજે મજબૂત સ્થિતિમાં છે અને ભારતની મજબૂત સ્થિતિ જોઈને કેટલાક લોકોની સવારની ચા બગડી જતી હશે. પ્રધાનમંત્રીએ ઉદાહરણ સાથે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં 50 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. અમેરિકામાં 45 વર્ષની સૌથી વધુ મોંઘવારી છે. દુનિયાભરના લોકો લખે છે દુનિયા મંદીના મોજામાં ડૂબી રહી છે. વર્લ્ડ બેંક અને IMFવાળા લખે છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓ લખે કે આખી દુનિયા મંદી તરફ ગતિ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, વિકસિત દેશોના વિકાસદર બેસી ગયા છે. વિકસિત દેશોમાં વ્યાજદર વધી ગયા છે. આખી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી ગઈ છે, પરંતુ એક માત્ર ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે. ભારત મક્કમતાથી ડગ આગળ માંડી રહ્યું છે.
આ સાથે જ પ્રધાનમંત્રીએ હજારોની જનમેદની સામે જામનગરમાં ગુજરાતીમાં રણટંકાર કરતાં કહ્યું કે, 2014 પહેલાં ભારતનું અર્થતંત્ર દુનિયામાં 10 માં નંબરે હતું. આપણે આઠ વર્ષમાં જ દસમા નંબરથી કૂદકો લગાવીને પાંચમા નંબરે પહોંચી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાની પહેલી પાંચ ઈકોનોમીમાં આપણો નંબર આવી ગયો છે. 10 થી 6 નંબર સુધી તો કોઈએ નોંધ ના લીધી, પરંતુ જેવા આપણે પાંચમા નંબરે પહોંચ્યા તો આખા દેશના લોકોમાં એક નવી ઊર્જા આવી ગઈ. કેમ કે, જેમણે આપણને અઢીસો વર્ષ ગુલામ રાખ્યા હતા એમને આપણે પાછળ ધકેલી દીધા છે.
