G-20 બેઠકમાં ભાગ લેવા માટે ઈટાલી પહુચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કેથોલિક ધર્મગુરુ પોપને મળશે. અધિકારીઓએ કહ્યું છે કે મોદી આ સપ્તાહના અંતે રોમમાં પોપને મળવાના છે.
લઘુમતીઓ પર અત્યાચારના વધી રહેલા આરોપો પર અંકુશ ન મેળવી શકવાના આરોપોનો સામનો કરી રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેથોલિક ધર્મગુરુ પોપને મળવા જઈ રહ્યા છે. 2014માં સત્તા સંભાળ્યા બાદથી, દક્ષિણપંથી ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી લઘુમતીઓ પર થતા અત્યાચાર પર મૌન હોવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.
પોપ-મોદીની મુલાકાત શા માટે મહત્વની છે?
ભારતમાં 14 ટકા મુસ્લિમ વસ્તી છે જ્યારે બે ટકા ખ્રિસ્તી છે. ઘણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર હુમલામાં વધારો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ, જેને બીજેપીની મધર બોડી કહેવામાં આવે છે, તેઓ ઘણીવાર ખ્રિસ્તીઓ પર ભારતમાં ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લગાવે છે. આ વિવાદને કારણે ખ્રિસ્તીઓ પર હુમલા પણ થાય છે. એક સામાજિક સંસ્થાએ આ મહિને જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે આ વર્ષે ખ્રિસ્તીઓ પર હુમલાના 300 કેસ નોંધાયા છે. આ કેસોમાં ઉત્તરાખંડમાં ઓક્ટોબરની ઘટનાનો સમાવેશ થાય છે, જેમાં એક ચર્ચ પર કથિત રીતે ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોના 200 સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માર્ચમાં, હિંદુ ઉગ્રવાદીઓના એક જૂથે છત્તીસગઢમાં એક ચર્ચ પર હુમલો કર્યો હતો. હુમલા સમયે લગભગ 150 લોકો ત્યાં હાજર હતા, જેમાંથી આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ભારતીય જનતા પાર્ટી ધર્માંતરણના મુદ્દે આક્રમક રહી છે. ઓછામાં ઓછા ત્રણ ભાજપ શાસિત રાજ્યોએ કથિત બળજબરીથી થતા ધર્માંતરણને રોકવાના હેતુથી કાયદા પસાર કર્યા છે. આ કાયદા હેઠળ ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ઘણા રાજ્યો સમાન કાયદા લાવવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ કાયદાનો ઉપયોગ લઘુમતીઓને હેરાન કરવા માટે થઈ રહ્યો છે.
2020 માં, યુએસના એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે 2004 પછી પ્રથમ વખત ભારતને ‘ચિંતાવાળા દેશો’ની સૂચિમાં મૂક્યું. નરેન્દ્ર મોદી સરકાર હિંદુ એજન્ડાને અનુસરવાના આરોપોને નકારી રહી છે અને દાવો કરી રહી છે કે તમામ ધર્મના લોકોને સમાન સ્વતંત્રતા છે.
G-20 નો એજન્ડા
ગ્લાસગો ક્લાઈમેટ સમિટ પહેલા યોજાઈ રહેલી G-20 દેશોની કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો સૌથી વધુ ગરમાય તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે સમૃદ્ધ દેશોનું આ સંગઠન ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે તાત્કાલિક કયા પગલાં લઈ શકાય તે અંગે ચર્ચા કરશે જેથી કરીને સદીના અંત સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો અટકાવી શકાય. ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું છે કે આ મુદ્દો એજન્ડામાં છે. રોમમાં રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ રિઝોલ્યુશનમાં લખ્યું છે કે, “અમે આબોહવા પરિવર્તનના મહત્વના મુદ્દાને પહોંચી વળવા પ્રતિબદ્ધ છીએ.” એજન્ડા અનુસાર, G20 નેતાઓ કહેશે કે તેઓ માને છે કે જો તાપમાનને 1.5 °C થી ઉપર વધતું અટકાવી શકાય તો આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડી શકાય છે.
G20 દેશોના ઘણા નેતાઓ રોમ નથી પહોંચી રહ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વીડિયો લિંક દ્વારા કોન્ફરન્સમાં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેઓ વિશેષ ભાષણ પણ આપશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા આ સમિટમાં રૂબરૂ હાજરી આપશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રોમ પહોંચ્યા છે.
