ડાંગના જંગલમાં વૃક્ષ છેદનની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિએ વનની ગરિમાને ઝાંખપ લગાવી છે અને વિભાગના નાકે દમ લાવી દીધું છે. જંગલમાં જેટલા વૃક્ષ વાવવામાં આવતા નથી એટલા તસ્કરી માટે કાપવામાં આવે છે. ગમે ત્યારે ગમે તેમ વૃક્ષ કાપીને જંગને મેદાન બનાવવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં વધુ એક લાકડાચોર સાગનું લાકડું ચોરતા પકડાયો છે.
બનાવની વિગત અનુસાર ડાંગના જંગલમાંથી સાગના લાકડાને ગેરકાયદેસરરીતે કાપી તેને વેચવા લઈ જતા શખ્સને ઝડપી પાડી 8 ઘનમીટર લાકડું કબ્જે કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા ઉત્તર ડાંગ વન વિભાગ અંતર્ગત કાલીબેલ રેન્જ વિભાગે સાવરદાકસાડ ગામેથી ગેરકાયદેસર લઈ જવાતુ સાગી લાકડું ઝડપી પડ્યું છે. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીને બાતમી મળી હતી કે જંગલમાં સાગના વૃક્ષ છેદનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. માહિતી મળતા કાલીબેલ ફોરેસ્ટ રેન્જમાં પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ શરૂ કરાયું હતું. કાલીબેલ વનવિભાગના આર.એફ.ઓ. અંજનાબેન તથા સ્ટાફે જંગલચોરોને ઝડપી પાડવા કડક ઘેરાબંધી કરાવાઈ હતી. આ દરમ્યાન એક ટવેરા ફોરેસ્ટની ટીમને જોઈ પુરપાટ ઝડપે નીકળી હતી. વનવિભાગના પ્રયાસ છતાં કાર ચાલક વાહન ઉભું ન રાખી બેરિકેડ તોડી હંકારી ગયો હતો. શંકાસ્પદ ગતિવિધિઓના પગલે આર.એફ.ઓ તથા તેમના સ્ટાફે ફિલ્મ ઢબે વાહનનો પીછો કર્યો હતો. આ કારને સાવરદાકસાડ ગામ નજીક આતરી અટકાવાઈ હતી. તલાસી લેવામાં આવતા ટવેરા કાર નં GJ -15 BB -1644 માથી ગેરકાયદેસર લઈ જવાતા 8 ઘનમીટર સાગી લાકડા મળી આવ્યા હતા. વનવિભાગે લાકડા અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી જંગલ ચોરની ધરપકડ કરવામાં આવી અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પુષ્પા નામની ફિલ્મ ખુબ લોકપ્રિય બની હતી. આ ફિલ્મમાં દક્ષિણ ભારતના જંગલોમાંથી લાલ ચંદનના લાકડાઓની તસ્કરીના કૌભાંડને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જંગલમાંથી ચંદનના લાકડાઓની ચોરી કરી તેને અલગ – અલગ તરકીબો દ્વારા જંગલની બહાર લઈ જવાતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડાંગમાં આ ફિલ્મના દ્રશ્યો હકીકતમાં ભજવાયા હોય તેવી સ્થિતિ નજરે પડી હતી. ફર્ક માત્ર તેટલો રહ્યો કે અહીં ચંદનના સ્થાને સાગના લાકડાની તસ્કરીનો વેપલો શરૂ કરાયો હતો. જોકે ફિલ્મી અધિકારીઓ કરતા ડાંગના અધિકારીઓ વધુ ચાલાક છે જેમણે સાગ લાકડાના જથ્થા સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો .

આ પણ વાંચો : ઘર રિનોવેશન માટે હવે આટલા લાખની લોન મળી શકશે,RBIનો નિર્ણય,જાણો
