આઝાદ સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રવિવારે એ દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશનાં બુલંદશહેરમાં તેમના કાફલા પર ગોળી ચલાવવામાં આવી હતી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરનાં આ દાવા પર હવે યુપી પોલીસનું નિવેદન આવ્યું છે. બુલંદશહેરનાં એસએસપી સંતોષકુમાર સિંહે કહ્યું છે કે, આઝાદ સમાજ પાર્ટીનાં અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર ફાયરિંગનાં પુરાવા હજુ મળ્યા નથી તેની કોઈ પુષ્ટિ થઇ નથી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બુલંદશહેરનાં એસએસપી સંતોષકુમાર સિંહે કહ્યું કે, હજુ સુધી ઘટનાની પુષ્ટિ થઈ નથી અને એક જ ન્યૂઝ ચેનલ કથિત હુમલાથી સંબંધિત સમાચાર બતાવી રહી છે. આઝાદ સમાજ પાર્ટી અને એઆઈએમઆઈએમનાં કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો, જો ફરિયાદ નોંધાય તો અમે કેસ નોંધીને તપાસ આગળ ધપાવીશું.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, બુલંદશહેરની ચૂંટણીમાં અમારી ઉમેદવારીને કારણે વિરોધી પક્ષો ગભરાઈ ગયા છે અને આજની રેલીએ તેમને નિંદર ઉડાવી દીધી છે. જેના કારણે મારા કાફલા પર કાયરતાપૂર્વક ગોળીબાર કરવામાં આવ્યો છે. આ તેમની હારથી હતાશા બતાવે છે. તેઓ ઇચ્છે છે કે વાતાવરણ ખરાબ રહે પરંતુ અમે આવું થવા દઈશું નહીં.
