Not Set/ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP એ અપનાવી 50:50 ફોર્મ્યુલા, સહયોગીઓ માટે આઠ બેઠક

મુંબઈ, લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી કોંગ્રેસ અને NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) વચ્ચે ર૦-ર૦ બેઠકો પર લડવા સહમતી સધાઈ ગઈ છે. જયારે બાકી રહેલી આઠ બેઠક સહયોગી દળોના નેતાઓ માટે બાકી રાખવામાં આવી છે. આ સમજૂતી થવા છતાં રાજ્યની બેથી ત્રણ બેઠક એવી છે કે, જ્યાં કોંગ્રેસ અને એનસીપી (NCP) બંને પોતપોતાનો દાવો કરી રહ્યા […]

Top Stories India Trending Politics
Sharad Pawar Sonia Gandhi મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP એ અપનાવી 50:50 ફોર્મ્યુલા, સહયોગીઓ માટે આઠ બેઠક

મુંબઈ,

લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી કોંગ્રેસ અને NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) વચ્ચે ર૦-ર૦ બેઠકો પર લડવા સહમતી સધાઈ ગઈ છે. જયારે બાકી રહેલી આઠ બેઠક સહયોગી દળોના નેતાઓ માટે બાકી રાખવામાં આવી છે. આ સમજૂતી થવા છતાં રાજ્યની બેથી ત્રણ બેઠક એવી છે કે, જ્યાં કોંગ્રેસ અને એનસીપી (NCP) બંને પોતપોતાનો દાવો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને પક્ષના નેતાઓ વચ્ચે થયેલી લાંબી મંત્રણાઓ અને બેઠકો યોજાઈ હતી. તેના પછી છેવટે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે પ૦:પ૦ બેઠકોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

ગત વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ર૬ સીટ પર લડી હતી અને તેના બે સાંસદ જીતીને આવ્યા હતા, જ્યારે એનસીપીએ ર૧ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા અને તેના પાંચ ઉમેદવારે જીત મેળવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અમરાવતી અને થાણા સંસદીય બેઠક પર પણ પોતાનો દાવો કરી રહી છે. જો કે, હાલમાં આ બંને બેઠક હાલ શિવસેનાની પાસે છે.

ભાજપથી અલગ થયેલા અપક્ષ સાંસદ રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મહાગઠબંધન અંગે હાલ કોંગ્રેસ-એનસીપીએ અન્ય પક્ષના નેતાઓ સાથે કોઈ વાટાઘાટ કરી નથી. તેમની વચ્ચે બેઠકોની વહેંચણી અંગે કોઈ ફોર્મ્યુલા ફાઈનલ થઈ છે કે નહીં તે અંગેની પણ કોઈને જાણ કરવામાં આવી નથી.

શુક્રવારે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે લોકસભા ચૂંટણી અંગે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાયગઢથી એનસીપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેની ઉમેદવારી અત્યારથી જ નિશ્ચિત મનાય છે. જ્યારે બારામતીથી સુપ્રિયા સુલે અને સતારાથી ઉદયન રાજેની ઉમેદવારી પર પણ નિશ્ચિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોંગ્રેસ સાથે ગઠબંધન અને બેઠકોની ફોર્મ્યુલા નક્કી થયા બાદ તુરંત જ એનસીપીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે બેઠકો માટે કોંગ્રેસ સાથે મતભેદ છે તેનું નિરાકરણ લાવવા માટે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર ખુદ કોંગ્રેસ સાથે વાટાઘાટ કરી રહ્યા છે.

શુક્રવારે શરદ પવારે કોલ્હાપુર, રાયગઢ, બીડ, ઉસ્માનાબાદ, પરભણી, બુલઢાણા અને જલગાંવ બેઠક માટે પક્ષના વરિષ્ઠ સભ્યો સાથે બેઠક યોજી હતી. કોલ્હાપુરમાં ધનંજય મહાણિકને ઉમેદવાર બનાવવા સામે હસન મુશ્રીફ વિરોધ કરી રહ્યા છે. કારણ કે, મુશ્રીફ ખુદ અહીંથી ચૂંટણી લડવા માંગે છે. આ બેઠક અંગેનો અંતિમ નિર્ણય શરદ પવાર દ્વારા કરવામાં આવશે.

એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણીનો કોઈ વિવાદ જ નથી. ૪૦ બેઠકોને ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલાના આધારે વહેંચવામાં આવી છે. જયારે આઠ બેઠકો અંગે અંતિમ નિર્ણય કરવાનો બાકી છે. આ આઠ બેઠકોમાં અહમદનગર, ઔરંગાબાદ, રત્નાગીરી, નંદુરબાર, રાવેર, પુણે, ઉત્તર મુંબઈ અને મધ્ય મુંબઈ બેઠકનો સમાવેશ થાય છે.