અમદાવાદ: દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હાલના સંજોગોને જોતા રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે. જયારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. જયારે તેલંગાનામાં ટીઆરએસની તો મિઝોરમમાં એમએનએફની સરકાર રચાશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઇ, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીઓને 2019માં આવનારી લોકસભાની ચૂંટણી માટેની સેમીફાઈનલ જેવી મહત્વની ગણવામાં આવી રહી છે.
પાંચ રાજ્યોની ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં ભારે રોમાંચક પરિણામ સામે આવ્યા હતા. રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેના એક્ઝિટ પોલમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે.
જોકે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ફાયદો થશે તેવું જોવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ મેદાન મારી જાય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે જેમાં અન્ય પક્ષો કોની તરફ ઢળશે તેની ઉપર આધાર રહેશે. જયારે તેલંગાનામાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ફરીથી સત્તા બનાવવા જઈ રહી છે.
જયારે દેશના પૂર્વોત્તર રાજ્ય એવા મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) ફરી એક વખત રાજ્યમાં સરકાર બનાવે તેવા આસાર જોવા મળી રહ્યાં છે.
