સોચી,
દુનિયામાં સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એ ગત રાત્રે શુક્રવારે બતાવી દીધું કે તેમને કેમ દુનિયાના દિગ્ગજ ખેલાડીઓમાં ગણના થાય છે. મેચની અંતિમ મિનિટોમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કરેલ શાનદાર ગોલ અને ચાલુ ફીફા વર્લ્ડકપની નોંધાવેલ પ્રથમ હેટ્રિકની મદદથી પોર્ટુગલે ગ્રુપ-બીની એક મેચમાં સ્પેન સામે ૩-૩ થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે. મેચની ૮૮મી મિનિટ સુધી સ્પેન ૩-૨ થી આગળ હતુ. પરંતુ પીકેની એક ભૂલના કારણે પોર્ટુગલને ફ્રી કીક મળી, જેનો ફાયદો ઉઠાવી રોનાલ્ડોએ ગોલ કરીને આ મહત્વની મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.

રોનાલ્ડોએ મેચની ૪થી, ૪૪મી, ૮૮મી મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે સ્પેન તરફથી ડિએગો કોસ્ટાએ મેચની ૨૪મી અને ૫૫મી મિનિટે ગોલ કર્યા હતા અને ત્રીજા ગોલ નાચો ફર્નાન્ડીસે કર્યો હતો.
આ મેચની શરુઆત પોર્ટુગલ માટે શાનદાર રહી હતી. કેપ્ટન રોનાલ્ડોએ મેચની ચોથી જ મિનિટમાં મળેલ પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલીને પોતાની ટીમને ૧-૦ ની સરસાઈ અપાવી હતી. સ્પેન તરફથી ડિઓગા કોસ્ટાએ ૨૪મી મિનિટમાં ગોલ કરીને મેચ ૧-૧ ની બરાબરી પર લાવી દીધી હતી. ત્યારબાદ રોનાલ્ડોએ વધુ એક ગોલ કરીને પોર્ટુગલને ૨-૧ ની સરસાઈ અપાવી હતી. બીજા હાફની શરુઆતમાં સ્પેનિશ ટીમ તરફથી ૫૫ મી મિનિટમાં ડીએગો કોસ્ટાએ ગોલ કરીને ફરી મેચ બરાબરી પર લાવી હતી. તેની ત્રણ મિનિટ બાદ જ નાચોએ ગોલ કરી સ્પેનિસ ટીમને સરસાઈ અપાવી દીધી હતી.

અંતિમ સમય સુધી સ્પેનિશ ટીમ પાસે સરસાઈ હતી અને મેચ સ્પેન જીતે તેવું લાગી રહ્યુ હતુ. જાકે રોનાલ્ડોએ મેચની અંતિમ બે મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. અંતિમ સમયે બન્ને ટીમોએ ૩-૩ ગોલ કર્યા હતા.

