કચ્છ,
કચ્છ જિલ્લા પંચાયતની વર્તમાન શાસકોની અંતિમ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં એન.એ.ની ૧ર જેટલી ફાઈલોને મંજૂર કરાઈ હતી.
જિલ્લા પંચાયત સમિતિ ખંડમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન નવીનભાઈ ઝરૂના અધ્યક્ષતામાં મળેલી અંતિમ કારોબારી સભામાં જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬પ, ૬૬ અને ૬૭ હેઠળના ૧ર કેસો મંજૂરી અર્થે મુકાયા હતા. તો નાની સિંચાઈના ર૦ લાખના બે કામોને બહાલી આપવમાં આવી હતી.
ઉપરાંત ચોમાસાને ધ્યાને લઈને રાપરના કારૂંડા અને ડાભુંડા નાની સિંચાઈ યોજનામાં ગેટસ ક્લુઝ વાલ્વ બદલાવવા તેમજ ભચાઉમાં ગોડધ્રો નાની સિંચાઈમાં પણ ગેટસ કલુઝ વાલ્વ લગાવવા માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 20 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
તો રાપર તાલુકાની કડોલ ગ્રામ પંચાયતને અગાઉ બે વખત બજેટ રજૂ કરવા મુદ્દત અપાઈ હતી. પરંતુ સમય મર્યાદામાં બજેટ રજૂ ન થતાં કડોલ ગ્રામ પંચાયત સુપરસીડ કરવાનો નિર્ણય પણ જિલ્લા પંચાયતની અંતિમ કારોબારી સભામાં લેવાયો હતો.
