Valsad Rain News: વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે (Valsad Heavy Rain) જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવનદોરી સમાન ઔરંગા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. હાલ જિલ્લો રેડ અલર્ટ હેઠળ છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
ધરમપુર તાલુકામાં માત્ર ચાર કલાકમાં અંદાજે 6 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતાં પાણીના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ઔરંગા નદી પ્રથમ વખત 9 મીટરની સપાટીએ
ભારે વરસાદ (Valsad Heavy Rain)ના કારણે ભેરવી નજીક ઔરંગા નદીનું જળસ્તર 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. સ્થાનિક ઇતિહાસમાં પ્રથમ વખત નદી આટલા ઊંચા સ્તરે પહોંચતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
Valsad Heavy Rain: 200થી વધુ લોકોનું સલામત સ્થળાંતર
પૂરના જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
સ્થળાંતરના મુખ્ય આંકડા:
કાશ્મીર નગર: અંદાજે 60થી 70 લોકોનું સ્થળાંતર.
બરુડિયાવાડ: અંદાજે 100થી 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
સ્થળાંતર કરાયેલા તમામ લોકોને રહેવા અને ભોજન સહિતની સુવિધા સાથે રામજી મંદિર ખાતે અસ્થાયી આશ્રય આપવામાં આવ્યો છે.
વરસાદ વચ્ચે તંત્રની સતત કામગીરી
મુસળધાર વરસાદ (Valsad Heavy Rain) છતાં જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ અને બચાવ ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરી રહી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃપ્તિબેન, નગરપાલિકાના C.O., સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારી, નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ અધિકારીઓ મોડી રાત સુધી બચાવ અને સ્થળાંતરની કામગીરીમાં જોડાયેલા રહ્યા હતા.
શાળા-કોલેજોમાં રજા જાહેર
પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITI સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
નાગરિકોને મહત્વની અપીલ
પ્રાંત અધિકારી વિમલ પટેલે નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સુરક્ષિત સ્થળે રહેવા તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:વલસાડમાં 18.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું, 284 રસ્તા બંધ, 200થી વધુ લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો:વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં ફસાયા 3 મજૂરો, NDRFએ બચાવ્યા જીવ
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં 10થી 16 ઇંચ વરસાદ, 400થી વધુ રસ્તા બંધ
