Gujarat News: રાજ્યમાં સાર્વત્રીક વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પુર જેવી સ્થિતિ સર્જાતા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર અલર્ટ થયું છે. રાજ્યના મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને રેસ્ક્યૂ માટે ટીમ તૈયાર રાખવા સુચના આપી દિધી છે. ત્યારે લસાડના ઉમરગામમાં 36 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ડાયવર્ઝન ધોવાઈ જતાં સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર પાણી ભરાતા સાત ટ્રેનો રદ કરવી પડી છે. સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ | Heavy rain
ગત 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને વલસાડ (valsad)

જિલ્લાના ઉમરગામ તાલુકામાં કુલ 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માત્ર મધરાતથી સવારે છ વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અનેક મોંઘી કારો પાણીમાં ડૂબી ગઈ છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નર્મદામાં 7 ગામો સંપર્ક વિહોણા, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર

ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લા (Narmada Flood)માં એક મહત્વપૂર્ણ ડાયવર્ઝન ધોવાઈ જતા સાત ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા વિકલ્પ માર્ગો તૈયાર કરવાની સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ સુરતમાં સવારે ચારથી આઠ વાગ્યા દરમિયાન ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ જોખમી સપાટીની નજીક પહોંચી ગઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાડી કિનારે વસતા 2,244 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતની મીઠી ખાડીમાંથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે, જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ, અંડરબ્રિજ બંધ

અમદાવાદ (Ahmedabad Rain)માં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સવારે નવ વાગ્યા બાદ વધુ જોર પકડ્યું હતું. પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલ, સેટેલાઇટ, જોધપુર, એસજી હાઇવે અને આંબાવાડીમાં માત્ર એક કલાકમાં લગભગ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. બોપલના સ્ટર્લિંગ સિટી સહિત અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પીપળેશ્વર સોસાયટી બહારના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ડી કેબિન અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે તેને બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે શહેરમાં દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેન રદ
દક્ષિણ ગુજરાતમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેનો વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. અમદાવાદ-મુંબઈ રૂટની સાત મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો વિલંબથી દોડી રહી છે. ટ્રેન સેવા ખોરવાતા નવસારી, સુરત અને વાપી વચ્ચે રોજ અપડાઉન કરતા 50 હજારથી વધુ મુસાફરો સ્ટેશનો પર અટવાઈ ગયા છે. વૈકલ્પિક બસ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોની સહાય માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને વીરમગામ સ્ટેશનો પર વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે તેમજ રદ થયેલી ટ્રેનોના ટિકિટ રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી એક્શન મોડમાં, રેડ એલર્ટવાળા જિલ્લાઓના અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં
દક્ષિણ ગુજરાતમાં સતત ખરાબ બની રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. સુરત, નવસારી, વલસાડ સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે સીધી સમીક્ષા કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી સહિત સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ IAS અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, જિલ્લા પ્રશાસન અને NDRF તથા SDRFની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 24 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ અમદાવાદ અને સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 25 અને 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:નવસારીમાં જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો, પૂર્ણા નદી કાંઠાના ગામોને એલર્ટ
આ પણ વાંચો:ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ
