દેશભરમાં ગાજેલા NEET પેપર લીક વિવાદ પર PM નરેન્દ્ર મોદીએ આખરે મૌન તોડીને મોટો દાવો કર્યો છે. તેમણે દોષિતોને તાત્કાલિક અને આકરી સજા સુનિશ્ચિત કરવા માટે ‘ફાસ્ટ-ટ્રેક કોર્ટ’ સ્થાપવાની જાહેરાત કરી છે. જોકે, દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચલાવી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ વડાપ્રધાનના આ આશ્વાસનને સખત શબ્દોમાં ફગાવી દીધું છે.
CJP એ આરોપ લગાવ્યો છે કે PM આ જાહેરાત દ્વારા મૂળ મુદ્દા પરથી દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંસ્થા પોતાની મુખ્ય માંગણી પર અડગ રહીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ પર ઠામ છે.
PM ની પોસ્ટ સામે CJP નો આકરો મેસેજ
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે સરકાર માટે યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય સર્વોપરી છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પેપર લીકના કેસો ચલાવવા માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે.
આ પોસ્ટના વળતા જવાબમાં CJP એ તુરંત પ્રતિક્રિયા આપતાં મેસેજ લખ્યો: “Dharmendra Pradhan Must Resign” (ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડશે). આ ઉપરાંત CJP નેતા અભિજીત દીપકે શિક્ષણ મંત્રીનો એક ફોટો ક્વોટ-પોસ્ટ કર્યો હતો, જેના પર “Hi, I am nothing” લખેલું હતું. આ દ્વારા સંસ્થાએ સરકાર અને શિક્ષણ મંત્રી બંને સામે રાજકીય જવાબદારીમાંથી છટકવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
‘હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ ન ચાલે’: CJP પ્રવક્તા આશુતોષ રાંકાનો હુમલો
CJP ના પ્રવક્તા આશુતોષ રાંકાએ વડાપ્રધાનની જાહેરાત પર તીખા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આ દરખાસ્ત પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓના મૂળ કારણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
CJP પ્રવક્તા આશુતોષ રાંકાનું નિવેદન:
“ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત એ કોઈ વાસ્તવિક કે કાયમી ઉકેલ નથી, પરંતુ માત્ર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં કોર્ટ નથી, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમતાના કારણે થઈ રહ્યા છે. વડાપ્રધાનનો પ્રસ્તાવિત ઉકેલ એવો છે જાણે ફેક્ચર થયેલા હાડકા પર બેન્ડ-એડ લગાવવી! આપણી પરીક્ષા પ્રણાલી અંદરથી સડી ગઈ છે. વિદ્યાર્થીઓને લાંબી કાનૂની પ્રક્રિયાઓના આશ્વાસન નહીં પણ શિક્ષણ મંત્રી સામે સખત કારવાઈ અને તાત્કાલિક જવાબદારી જોઈએ છે.”
CJP ની 4 મુખ્ય માંગણીઓ
દિલ્હીના જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓ અને સમર્થકો એકઠા થઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. CJP એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની નીચે મુજબની 4 મુખ્ય માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેમનું દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશે:
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું
NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને ૧ કરોડનું યોગ્ય વળતર.
શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ યુવાનો સામેથી તમામ કાનૂની કે પોલીસ કેસ પાછા ખેંચવા.
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કથિત અત્યાચાર આચરનારા તમામ દોષિત પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી.
આ પણ વાંચો :દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ
આ પણ વાંચો :વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી ટાળી, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
આ પણ વાંચો :દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત
