New Delhi News : વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જ મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ અરજી રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને તાત્કાલિક સાંભળવાની જરૂરિયાત સ્વીકારી નહોતી.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલે વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા થયેલી કથિત બળપ્રયોગ (Lathicharge)ની ઘટના દર્શાવતા વીડિયો કોર્ટ સમક્ષ રજૂ કરવાની વિનંતી કરી હતી. જોકે CJIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોર્ટને વીડિયો જોવામાં રસ નથી અને તેના માટે સમય પણ ઉપલબ્ધ નથી. તેમણે વકીલને કહ્યું કે કોર્ટ અને પોતાનો સમય બગાડવો નહીં.

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ NEET પરીક્ષાની પારદર્શિતા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેમ છતાં કોર્ટ તરફથી તાત્કાલિક રાહત આપવામાં આવી નહોતી.
આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે પણ સમાન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે દરેક વિરોધ પ્રદર્શનને કોર્ટ સુધી લાવવું યોગ્ય નથી.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જની નિંદા કરી છે અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે.
આ સમગ્ર વિવાદ દરમિયાન ફરી એક વખત ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)ચર્ચામાં આવી છે. આ સોશિયલ મીડિયા આધારિત જૂથની શરૂઆત CJI સૂર્યકાંત (CJI Surya Kant)ની અગાઉની એક ટિપ્પણી બાદ થઈ હતી, જે બાદ તેનું નામ અને અભિયાન સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બન્યું હતું. જોકે બાદમાં CJIએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમની ટિપ્પણીનો અર્થ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો અને તે માત્ર નકલી ડિગ્રીના આધારે વ્યવસાયમાં પ્રવેશ કરનારાઓ માટે હતી.
વિદ્યાર્થીઓના વિરોધ, પોલીસ કાર્યવાહી અને કોર્ટના વલણને લઈને રાજકીય તેમજ કાનૂની વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે આ મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે
