Vadnagar News: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના સગા ભાઈએ સોશિયલ મીડિયા પર મેસેજ કરીને રાખડી બાંધવા માટે વડનગર બોલાવી હતી. જોકે, બહેનને મળવાનું આ આમંત્રણ કથિત રીતે અપહરણ (Vadnagar kidnapping case)ના કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે. યુવતી વડનગર પહોંચ્યા બાદ ત્રણ અજાણ્યા શખ્સોની મદદથી તેને અર્ટિગા કારમાં બેસાડી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ મામલે યુવતીના પતિ સચીનકુમાર ભરતજી ઠાકોરે વડનગર પોલીસ સ્ટેશનમાં પોતાની પત્નીના ભાઈ જેનિલ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણ (Vadnagar kidnapping case)ની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Vadnagar kidnapping case: પ્રેમલગ્ન બાદ સાસરીમાં રહેતી હતી વૈદેહી
મળતી માહિતી મુજબ, વડનગર તાલુકાના છાબલીયા સીમમાં આવેલા વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના પહેલાં વડનગર તાલુકાના મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના પતિ સાથે સાસરીમાં રહેતી હતી. પરિવારની મરજી વિરુદ્ધ થયેલા આ લગ્નને કારણે યુવતીના પિયરપક્ષમાં નારાજગી હોવાની વાત સામે આવી છે. આ દરમિયાન રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે ઈન્સ્ટાગ્રામ મારફતે તેને મેસેજ કર્યો હતો અને રાખડી બાંધવા માટે વડનગર આવવા જણાવ્યું હતું.
પેટ્રોલ પંપ પાસે બહેને ભાઈને રાખડી બાંધી
ભાઈનો મેસેજ મળતાં વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી. વડનગરના તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલ પટેલને રાખડી બાંધી હતી. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, રાખડી બાંધ્યા બાદ ઘટનાએ અચાનક વળાંક લીધો હતો. જેનિલ પટેલ કથિત રીતે અગાઉથી કેટલાક સાગરીતોને કાર સાથે ત્યાં બોલાવી રાખ્યા હતા.
અચાનક અર્ટિગા કાર આવી અને યુવતીને લઈ જવાઈ
વૈદેહી પોતાના પતિ અને ભત્રીજી સાથે એક્ટિવા પર હતી ત્યારે અચાનક એક અર્ટિગા કાર ત્યાં આવી પહોંચી હતી. ફરિયાદ મુજબ, કારમાં સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ સચીનકુમાર, વૈદેહી અને તેમની સાથે રહેલી ભત્રીજીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ જેનિલ પટેલ અને તેના સાગરીતોએ વૈદેહીને કથિત રીતે બળજબરીપૂર્વક અર્ટિગા કારમાં બેસાડી દીધી હતી. કારમાં સવાર શખ્સો યુવતીને લઈને ત્યાંથી નીકળી ગયા હતા. કારની નંબર પ્લેટ ન હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પત્નીને આંખો સામે લઈ જતા પતિએ પોલીસનો સંપર્ક કર્યો
પોતાની નજર સામે પત્નીને લઈ જવામાં આવતાં સચીનકુમાર ઠાકોરે તાત્કાલિક વડનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સચીનકુમારની ફરિયાદના આધારે વડનગર પોલીસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલ સહિત કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે અપહરણ (Vadnagar kidnapping case)નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં સંડોવાયેલા શખ્સો, કાર અને યુવતીના હાલના ઠેકાણા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
રક્ષાબંધન જેવા ભાઈ-બહેનના પવિત્ર સંબંધના દિવસે બનેલી આ ઘટનાથી વડનગર પંથકમાં ચકચાર મચી છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત અને અપહરણ (Vadnagar kidnapping case) પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ભાવનગરનાં બોરતળાવ અપહરણ કેસમાં છ ઝડપાયા
આ પણ વાંચો:મહેસાણા ડોક્ટર અપહરણ કેસમાં નવો વળાંક, પાટીદાર સમાજનો વિરોધ; આંદોલનની ચીમકી
આ પણ વાંચો:વડોદરામાં બસ ડ્રાઇવરનું અપહરણ: મુસાફરો ભરવા બાબતે વિવાદ, જાનથી મારી નાખવાની ધમકી
