Bhavnagar News : ભાવનગર (Bhavnagar)શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરતળાવ વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને એક યુવકનું અપહરણ (Kidnapping)કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે, બોરતળાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ સમગ્ર ષડયંત્રમાં સામેલ તમામ 6 આરોપીઓને ઝડપી લીધા છે.
સમાધાનના બહાને અપહરણ
મળતી માહિતી મુજબ, આરોપીઓએ જૂની અંકાસનો ઉકેલ લાવવાના બહાને ભોગ બનનાર યુવકને બહાર બોલાવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો અને તેનું અપહરણ (Kidnapping)કરી અન્ય સ્થળે લઈ ગયા હતા.
અન્ય સ્થળે લઈ જઈ માર માર્યો
અપહરણ કર્યા બાદ આરોપીઓ યુવકને એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો.
જૂની અદાવત અને જાતિગત ટિપ્પણીનો વિવાદ
આ હુમલા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો આક્ષેપ છે કે ભોગ બનનાર યુવકે અગાઉ જાતિવિરૂદ્ધ ટિપ્પણી કરી હતી, જેની રીસ રાખીને આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોરતળાવ પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની ફરિયાદ નોંધાતા જ બોરતળાવ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલા તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
