Rajkot News: રાજકોટની મેટોડા GIDC વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણની ગંભીર (Minor Girl Kidnapping) ઘટના સામે આવી છે. ઘર પાસે રમતી બાળકીને આઈસક્રીમ અપાવવાની લાલચ આપી એક શખ્સ તેને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની શોધખોળ દરમિયાન પોલીસને ઝાડીમાંથી રડવાનો અવાજ સંભળાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને આરોપીના કબજામાંથી બહાર કાઢી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આઈસક્રીમની લાલચ આપી બાળકી સાથે લઈ ગયો
મળતી માહિતી મુજબ મેટોડા GIDC વિસ્તારમાં (Metoda GIDC) પરિવાર સાથે રહેતી 6 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન વિક્રમ સુખદેવ ગૌર (36) નામનો શખ્સ બાળકીને આઈસક્રીમ અપાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. થોડા સમય બાદ બાળકી નજરે ન પડતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર દ્વારા તાત્કાલિક 112 પર જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને 112ની ટીમે મેટોડા GIDC પોલીસને જાણ કરી હતી.
Minor Girl Kidnapping: CCTVના આધારે પોલીસની શોધખોળ
બાળકીના અપહરણની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી. CCTVના આધારે શંકાસ્પદ વ્યક્તિ બાળકી સાથે ખીરસરા તરફના રસ્તે ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે આ રસ્તા પર તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ ટીમ ખીરસરા તરફના સૂમસામ રસ્તા પર તપાસ કરી રહી હતી ત્યારે નજીકની ઝાડીમાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો.અવાજની દિશામાં પોલીસકર્મીઓ રસ્તા પરથી નીચે ઉતરી ઝાડીમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન બાળકી અને આરોપી બંને મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકીને પોતાની સુરક્ષામાં લીધી અને આરોપીને ઝડપી લીધો હતો.
દુષ્કર્મ થયું કે નહીં તે અંગે તપાસ ચાલુ
પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી (Rajkot Kidnapping Case) બાળકી અને આરોપીને મળી આવ્યા બાદ બાળકીની તબીબી તપાસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું ન હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જોકે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે અને તપાસ બાદ હકીકત વધુ સ્પષ્ટ થશે.
આરોપીના મોબાઈલની પણ તપાસ
પોલીસે આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેમાં પોર્નોગ્રાફિક વેબસાઇટ્સની સર્ચ હિસ્ટ્રી મળી હોવાની માહિતી સામે આવી છે. આ બાબત સહિત મોબાઈલમાં રહેલી અન્ય વિગતોની પણ પોલીસ તપાસ કરી રહી છે. આરોપી અગાઉ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં શાપર-વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો અને થોડા સમય માટે પોતાના વતન ગયો હતો. આશરે બે મહિના પહેલાં તે ફરી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
આરોપી સામે POCSO સહિતની કલમો હેઠળ ગુનો
મેટોડા પોલીસે સમગ્ર મામલે આરોપી વિક્રમ ગૌર સામે અપહરણ, POCSO અને દુષ્કર્મના પ્રયાસ સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ હવે આરોપી બાળકીને શા માટે અને કયા ઈરાદાથી લઈ ગયો હતો, ઘટનાની અગાઉથી કોઈ યોજના હતી કે કેમ તથા આ કેસ સાથે સંબંધિત અન્ય કોઈ હકીકત છે કે કેમ તે સહિતની દિશામાં વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ધાનેરામાં ગર્ભવતી મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મનો આરોપ, મારપીટ અને ધમકીના આક્ષેપ સાથે 4 સામે FIR
આ પણ વાંચો: રાજકોટમાં મીઠાઈમાં ફૂગ દેખાતા ચકચાર, ગ્રાહકે નોંધાવી ફરિયાદ, તહેવારો પહેલા ખાદ્ય સુરક્ષાને લઈ અનેક સવાલો
આ પણ વાંચો: તળાજાના મથાવડામાં તળાવમાં ડૂબી 2 યુવાનોના મોત, 2ને સ્થાનિકોએ બચાવ્યા
