Bhavnagar News/ સરકારી નોકરીનું સપનું બતાવી લાખો પડાવ્યા! પાલીતાણામાં પોસ્ટ ઓફિસના નામે મોટું કૌભાંડ

Post Office Job Scam: પાલીતાણામાં પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. રૂ.6 લાખમાં સોદો કરી રૂ.4 લાખ પડાવ્યા બાદ બોગસ નિમણૂક પત્ર અપાયો. તપાસમાં 11 વધુ ભોગ બનનાર સામે આવ્યા છે.

Others Top Stories Gujarat
Post Office Job Scam: સરકારી નોકરીના નામે રૂ.36 લાખથી વધુની ઠગાઈ

Bhavnagar News: પાલીતાણા સરકારી નોકરી મેળવવાની લાલચમાં (Post Office Job Scam) એક રત્નકલાકાર યુવક સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પાલીતાણામાં રહેતા યુવકને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી અપાવવાનું કહી બે શખ્સોએ રૂ.6 લાખમાં સોદો કર્યો હતો, જેમાંથી યુવક પાસેથી અલગ-અલગ તબક્કે રૂ.4 લાખ ગૂગલ પે મારફતે પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ભાવનગર બોલાવી પોસ્ટ ઓફિસનો બોગસ નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. યુવક આ પત્ર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસ પહોંચતાં સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.

આ મામલે પાલીતાણા પોલીસે વચેટિયા પ્રદીપ ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે બોગસ પત્ર બનાવનાર મુખ્ય સૂત્રધાર બળદેવ રાઠોડને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Post Office Job Scam: પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના નામે રૂ.6 લાખનો સોદો

પાલીતાણાના હવા મહેલ ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમિત જાડેજાએ આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પ્રદીપ કિરીટસિંહ ઝાલાએ પોતાને પોસ્ટ ઓફિસના મોટા અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવી સરકારી નોકરી અપાવવાની (Government Job Scam) ખાતરી આપી હતી. નોકરી મેળવવાની આશામાં ફરિયાદીએ પ્રદીપ સાથે રૂ.6 લાખમાં સોદો કર્યો હતો. ત્યારબાદ અલગ-અલગ તબક્કે ગૂગલ પે મારફતે કુલ રૂ.4 લાખ ચૂકવ્યા હતા.

ભાવનગર બોલાવી બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો

ફરિયાદ મુજબ, 1 જાન્યુઆરી 2025ના રોજ યુવકને ભાવનગર બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેની મુલાકાત બળદેવ રમેશભાઈ રાઠોડ સાથે કરાવવામાં આવી હતી. બંનેએ યુવકને પોસ્ટ ઓફિસનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો અને 3 જાન્યુઆરીએ પાલીતાણા પોસ્ટ ઓફિસમાં હાજર થવા જણાવ્યું હતું.યુવકને આ પત્ર સાચો હોવાનું માનીને સરકારી નોકરી મળ્યાની આશા બંધાઈ હતી. જોકે, તે 2 જાન્યુઆરીએ જ પત્ર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યારે અધિકારીઓએ તપાસ કરતાં આવો કોઈ નિમણૂક પત્ર જારી ( Fake Appointment Letter) થયો ન હોવાનું સ્પષ્ટ થયું હતું.

‘હજુ સેટિંગ બાકી છે’ કહી યુવકને ગેરમાર્ગે દોર્યો

પોસ્ટ ઓફિસમાંથી પત્ર બોગસ હોવાનું જાણવા મળ્યા બાદ યુવકે પ્રદીપનો સંપર્ક કર્યો હતો. ત્યારે પ્રદીપે હજુ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને ઉતાવળ ન કરવા જેવી વાતો કરી હતી. બીજી તરફ, બળદેવ રાઠોડે યુવકને ફોન બંધ કરીને કેટલાક દિવસો ભાવનગર-કચ્છ વિસ્તારમાં રહેવાની સલાહ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.સમય પસાર થતો ગયો છતાં નોકરી ન મળતાં યુવકે પોતાના પૈસા પરત માંગ્યા હતા. જોકે, આરોપીઓ દ્વારા રકમ પરત કરવામાં ન આવતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે વચેટિયા પ્રદીપ ઝાલાની ધરપકડ કરી

ફરિયાદના આધારે પાલીતાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વચેટિયા તરીકે કથિત ભૂમિકા ભજવનાર પ્રદીપસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પૂછપરછ પૂર્ણ થયા બાદ કોર્ટના આદેશથી પ્રદીપ ઝાલાને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના જણાવ્યા અનુસાર, તપાસ આગળ વધતાં જેસર અને પાલીતાણા પંથકમાંથી અન્ય 11 યુવકો પણ સામે આવ્યા છે. તેમના નિવેદનો પોલીસે નોંધ્યા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી કુલ રૂ.36 લાખથી વધુની રકમ મેળવી હોવાની આશંકા છે. જેના પગલે સમગ્ર મામલો માત્ર એક યુવક સાથેની છેતરપિંડી પૂરતો સીમિત ન રહેતા મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યો છે.

મુખ્ય સૂત્રધારની શોધખોળ તેજ

પોલીસના જણાવ્યા (Palitana Police) અનુસાર, બોગસ નિમણૂક પત્ર તૈયાર કરનાર અને સમગ્ર છેતરપિંડીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બળદેવ રમેશ રાઠોડ હાલ પોલીસ પકડથી બહાર છે. તેને ઝડપી લેવા પાલીતાણા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકોને પણ સામે આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

સરકારી નોકરીના નામે પૈસા લઈ બોગસ નિમણૂક પત્ર આપવાનો આ કિસ્સો નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ચેતવણીરૂપ છે. માત્ર ઓળખાણ કે વચેટિયાની વાતના આધારે નોકરી માટે મોટી રકમ ચૂકવવાને બદલે સત્તાવાર ભરતી પ્રક્રિયા અને નિમણૂક પત્રની અધિકૃત ચકાસણી કરવી જરૂરી છે. પાલીતાણા પોલીસે અત્યાર સુધીમાં અનેક ભોગ બનનારની વિગતો એકત્ર કરી છે અને રૂ.36 લાખથી વધુની કથિત છેતરપિંડીના તાર સામે આવ્યા છે. હવે મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ આ સમગ્ર કૌભાંડમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો: વડોદરામાં ઈઝરાયેલની નોકરીના નામે છેતરપિંડી? 100થી વધુ યુવાનો પાસેથી લાખો લેવાયાનો આક્ષેપ

આ પણ વાંચો: વિદેશ મોકલવાના નામે મોટું કૌભાંડ! નોકરી-સ્ટુડન્ટ વિઝાની લાલચ આપી ગુજરાતીઓ પાસેથી ₹94 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં ONGC નોકરીના નામે 32 લાખની મોટી છેતરપિંડી