લોકો પોતાની કે સામેવાળાની બેદરકારી અને ઝડપથી વાહન ચલાવવાને કારણે ઘણીવાર માર્ગ અકસ્માતનો ભોગ બને છે. દેશમાં દરરોજ અનેક માર્ગ અકસ્માતો નોંધાય છે. એક નાની ભૂલ જીવનને જોખમમાં મૂકે છે. ભારતમાં 2021માં થયેલા માર્ગ અકસ્માતનો તાજો અહેવાલ બહાર આવ્યો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ 2021માં દેશમાં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો દરરોજ સરેરાશ 426 લોકો અથવા દર કલાકે 18 લોકોનો છે.
એનસીઆરબી (NCRB)એ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે, માર્ગ અકસ્માતમાં મૃત્યુ કરતાં વધુ ઇજાઓ થાય છે, પરંતુ મિઝોરમ, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતોમાં ઘાયલ થયેલા લોકો કરતાં વધુ મૃત્યુ થાય છે. એનસીઆરબીએ વધુમાં જણાવ્યું હતું કે મિઝોરમમાં 64 માર્ગ અકસ્માતોમાં 64 લોકોના મોત અને 28 ઘાયલ થયા હતા, જ્યારે પંજાબમાં 6,097 માર્ગ અકસ્માતોમાં 4,516 મૃત્યુ અને 3,034 ઘાયલ થયા હતા.
જયારે ઝારખંડમાં, 4,728 માર્ગ અકસ્માતોમાં 3,513 લોકોના મોત અને 3,227 લોકો ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં, 33,711 માર્ગ અકસ્માતોમાં 21,792 લોકો મૃત્યુ પામ્યા હતા અને 19,813 લોકો ઘાયલ થયા હતા.
