સુરેન્દ્રનગર/ સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાયો ખેડૂતલક્ષી યોજનાઓનો સહાય વિતરણ કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

Gujarat

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહના ચોથા દિવસ તા.૨૮મી ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ હોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને ખેડૂતલક્ષી યોજનાઓનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ખેતી લક્ષી વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર તેમજ બાગાયત વિભાગ દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગીક ઉદબોધન કરતાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, ભારત એક કૃષિ આધારિત દેશ છે, અને દેશની પ્રગતિ માટે દેશના ખેડૂતોની પ્રગતિ થવી ખૂબ જ જરૂરી છે. જેથી સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા અનેકવિધ ખેતી લક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ જેવી વિવિધ યોજનાઓના લાભ લઈ ગુજરાતના અનેક ખેડૂત આજે સમૃદ્ધ અને આત્મનિર્ભર બન્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા યોજના થકી સિંચાઇ માટે પાણી મળતા, આજે ખેડૂતો વર્ષ દરમિયાન ૩-૩ પાક લેતા થયા છે. આ ઉપરાંત તેમણે ખેડૂતમિત્રોને ધીરે ધીરે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાન કર્યું હતું.
ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરિયાએ “નાણાકીય સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્ય સમૃદ્ધિ પણ મહત્વની છે” તેમ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ સરકાર દ્વારા અમલીકૃત વિવિધ ખેતીલક્ષી યોજનાઓની માહિતી આપતી ફિલ્મો પણ નિહાળી હતી.
આ તકે અધિક નિવાસી કલેકટર એન. ડી. ઝાલા, પ્રાંત અધિકારી અનિલકુમાર ગોસ્વામી, અગ્રણી સર્વજગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ડી. વાદી સહિત જિલ્લા ખેતીવાડી, બાગાયત, મત્સ્ય અને પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારી ઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.