શહેરમાં સામાન્ય બોલાચાલીમાં જીવેલણ હુમલાના બનાવો જેવી રીતે વધી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે મેટ્રો અને મેગાસિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર અમદાવાદ શહેરને હવે ક્રિમિનલ સિટીનો પણ દરજ્જો કદાચ આગામી દિવસોમાં મળી શકે છે. લોકો નજીવી બાબતમા ઘાતક હથિયારો ઉઠાવી રહ્યા છે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે તેવી રીતે હુમલો કરીને ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના દરિયાપુરમાં પણ આવીજ એક ઘટના ગઈ કાલે ઘટી હતી.
બાળકોના રમવા જેવી સામાન્ય બાબતમાં મોટી વયની બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડાએ પાછળથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીએ ફરિયાદીની આંખમાં ફેંટ મારી દેતા આંખમાથી લોહીનો પ્રવાહ શરુ થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત બનેલા ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મોહમદ સમીર લોટ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે ગઈ કાલે સાંજે તેમનો 10 વર્ષીય ગુલામ રસુલ નામનો દીકરો તેમના ઘરની બહાર અન્ય બાળકોની સાથે રમી રહ્યો હતો ત્યારે બાળકોની અંદર અંદર કોઈ બાબતને લઈને બોલાચાલી થઇ હતી જેથી બાળકોએ જોરજોરથી બૂમો પાડવાનું શરુ કરી દેતા ફરિયાદીએ ઘરની બહાર આવીને બાળકોને સમજાવ્યું હતું કે બૂમો પાડયા વગર શાંતિથી ખેલકૂદ કરે.
આમ,જયારે ફરિયાદી બાળકોને સમજાવી રહ્યા હતા ત્યારે મોઇન ફલીવાળાએ સત્ય જાણ્યા વગર ફરિયાદીની સાથે લડવા લાગ્યો હતો અને ગુસ્સામાં આવી જઈને ફરિયાદીને જણાવ્યું હતું કે તમે બાળકોને કેમ રમવા દેતા નથી ? તેમ કહીને આરોપી મોઇનએ ફરિયાદી સમીરની આંખમાં જોરથી એક ફેંટ મારી દેતા તેની આંખની અંદરથી લોહીનો પ્રવાહ શરુ થઇ ગયો હતો. ગુસ્સામાં લાલઘૂમ થયેલા મોઈને સમીર ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલુંજ નહિ મોઈને પોલીસને આ બાબતે જાણ ન કરવા માટે પણ સમીર ભાઈને ધમકાવ્યો હતો. લોહી લુહાણ બનેલા સમીર ભાઈએ સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલમાં આંખની સારવાર લીધા બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મોઇનની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
