Navsari News/ નવસારીમાં જીંગા તળાવો પર તંત્રનો સકંજો, હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઈનકાર

સરપંચના જણાવ્યા મુજબ આ તળાવો (Pond)આશરે 500 જેટલા લોકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે

Gujarat Others
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર બનાવાયેલા કથિત ગેરકાયદે જીંગા તળાવો (Pond)સામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી યથાવત ચાલુ છે

Navsari News  : નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર બનાવાયેલા કથિત ગેરકાયદે જીંગા તળાવો (Pond)સામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી યથાવત ચાલુ છે. અસરગ્રસ્તોએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હોવા છતાં કોર્ટે ડિમોલિશન પર સ્ટે આપવાનો તેમજ મામલતદારના હુકમને રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જોકે અરજદારોને પોતાની રજૂઆત કરવાની તક આપવા માટે આગામી 15 જૂને જલાલપુર મામલતદાર સમક્ષ સુનાવણી યોજવાનો માર્ગ મોકળો કર્યો છે.

બોરસી માછીવાડ ગામના સરપંચ વિજયભાઈ મગનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે ગામની મંડળીને સરકાર દ્વારા 35 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે અને તેમની પાસે માસ્ટર મેપિંગ, DLR નકશા, કલેક્ટરનો હુકમ, માપણી સીટ, CA સર્ટિફિકેટ તેમજ સાત-બારના ઉતારા સહિતના તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેમ છતાં તંત્ર દ્વારા તળાવો તોડી પાડવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લામાં અન્ય અનેક તળાવો પાસે જરૂરી દસ્તાવેજો નથી, છતાં તેમની સામે કાર્યવાહી થતી નથી.

સરપંચના જણાવ્યા મુજબ આ તળાવો (Pond)આશરે 500 જેટલા લોકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે. તેમણે જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થાનિકોને પોતાના પુરાવા રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવે.

બીજી તરફ નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે જણાવ્યું હતું કે બોરસી ગામના બ્લોક નંબર-51 હેઠળ આવેલા 600 હેક્ટરથી વધુ વિસ્તાર પૈકી આશરે 75 લોકોને કલેક્ટરના હુકમ અને MPEDAના માસ્ટર મેપિંગના આધારે કાયદેસર રીતે જીંગા તળાવો (Pond) ફાળવવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદેસર રીતે ફાળવાયેલી 5 હેક્ટર જમીન પર આવેલા તળાવોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન કેટલાક લાભાર્થીઓએ મંજૂર મર્યાદા કરતાં વધુ જમીન પર દબાણ કરી તળાવો વિસ્તારી દીધા હોવાનું સામે આવ્યું છે. DILRના સર્વેયર અને ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર માપણી કરવામાં આવી રહી છે અને જ્યાં વધારાનું દબાણ જોવા મળશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.

આ કેસમાં 11 જેટલા જીંગા ઉછેરકર્તાઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે મામલતદારના કલમ-61 હેઠળના હુકમને પડકારતા ડિમોલિશન રોકવાની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે તંત્રની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે માત્ર એટલું સૂચન કર્યું કે અરજદારોને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે.

તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં 20થી 25 જેટલા તળાવો (Pond)સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી અત્યાર સુધી 11 તળાવો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. મોટા વિસ્તાર અને ઊંચા પાળાઓને કારણે 8થી 10 જેસીબી અને પોકલેન મશીનો કાર્યરત હોવા છતાં રોજ માત્ર 3થી 4 તળાવો જ તોડી શકાય છે. હાઈકોર્ટ તરફથી કોઈ મનાઈ હુકમ ન મળતા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.


આ પણ વાંચો : તળાવો-ચેકડેમ ઊંડા કરવાના કામમાં રૂ. 350 કરોડનું કૌભાંડ કોંગ્રેસ

આ પણ વાંચો : અમરેલી જિલ્લાના વિવિધ ચેકડેમો તળાવો તેમજ નદીઓમાં “સૌની યોજના”નું પાણી છોડવા તથા વિજળી માટે CM અને જળ મંત્રીને પત્રો લખાયા

આ પણ વાંચો : સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન કરાયું શરૂ