Harsh Sanghavi Surat Speech: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના જ પક્ષના નગરસેવકો અને કાર્યકર્તાઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં શિખામણ આપી છે. સુરત ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં તેમણે જનપ્રતિનિધિઓને જમીન સાથે જોડાયેલા રહેવા અને પ્રજા સાથે હંમેશા નમ્રતાપૂર્વક વર્તન કરવાની તાકીદ કરી છે.
‘જનસેવા-ઉપહાર’ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને પાઠ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ‘જનસેવા-ઉપહાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંચ પરથી સંબોધન કરતી વખતે હર્ષ સંઘવીએ આકરો મિજાજ દાખવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારી અને શિસ્તબદ્ધ પાર્ટી છે, તેથી કોઈપણ જનપ્રતિનિધિ કે કાર્યકર્તાનું જનતા સાથેનું ગેરવર્તન કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
પ્રજા સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું ફરજિયાત : Harsh Sanghavi
નગરસેવકોને સીધી ચેતવણી આપતા ડેપ્યુટી સીએમે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક પોતાની સમસ્યાઓ, પ્રશ્નો કે આશા લઈને તમારી પાસે આવે, ત્યારે તેમની સાથે સન્માનથી વાત કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, “હવે હું નગરસેવક બની ગયો છું કે કોઈ મોટો સાહેબ બની ગયો છું” તેવો અહંકાર મનમાં રાખશો, તો ક્યારેય લોકોના હૃદયમાં સ્થાન નહીં બનાવી શકો.
કામ તરત ન થાય તો વાંધો નહીં, પણ વ્યવહાર સારો રાખો
કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ વાસ્તવિકતા સ્વીકારીને એક બહુ મોટી વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, એવું શક્ય નથી કે લોકોનું દરેક કામ તાત્કાલિક જ થઈ જાય, પરંતુ લોકો સાથે તમારો સારો વ્યવહાર અને તેમની પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવો સૌથી વધુ અગત્યનો છે. જો જનતાનો સાચો વિશ્વાસ જીતવો હોય, તો દિવસ હોય કે રાત, લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જનપ્રતિનિધિઓએ હંમેશા પોતાના દરવાજા ખુલ્લા રાખવા પડશે.
