World News/ યુદ્ધમાં રશિયા સામે લડવા યુક્રેનનો નવો પ્લાન, પોર્નોગ્રાફીને કાયદેસર કરવાની તૈયારી

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ, ટેક્સથી 25 મિલિયન ડોલરની આવક મેળવી સૈન્ય માટે 30 હજાર ડ્રોન ખરીદવાની યોજના.

Top Stories World
Ukraine

Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન પોતાના સંરક્ષણ ખર્ચ માટે આવક વધારવાના નવા રસ્તાઓ શોધી રહ્યું છે. આ જ કડીમાં દેશમાં પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. યુક્રેનના સાંસદ યારોસ્લાવ ઝેલેઝન્યાક દ્વારા રજૂ કરાયેલા બિલમાં પુખ્ત મનોરંજન ઉદ્યોગને કાયદેસર બનાવવાની વાત કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, આ ઉદ્યોગને કાયદેસર બનાવવાથી યુક્રેનને દર વર્ષે આશરે 25 મિલિયન ડોલરની કર આવક થઈ શકે છે. પ્રસ્તાવના સમર્થકોનું કહેવું છે કે આ વધારાની આવકનો ઉપયોગ સૈન્ય માટે આશરે 30 હજાર લડાયક ડ્રોન ખરીદવા માટે કરી શકાય છે.

હાલના કાયદા હેઠળ સખત પ્રતિબંધ

યુક્રેનમાં હાલમાં પુખ્ત સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ ગેરકાયદેસર છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં દેશમાં આ ઉદ્યોગ ચાલી રહ્યો હોવાના અહેવાલો છે.

તાજેતરમાં યુક્રેનની કર સત્તાવાળાઓએ પુખ્ત સામગ્રી બનાવતા લોકો પાસેથી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. જેના કારણે કર ચૂકવનારાઓ સામે જ ગેરકાયદેસર પુખ્ત સામગ્રી બનાવવાના કેસ થવાની વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે.

સાંસદે ગણાવી ‘હાસ્યાસ્પદ અને દુઃખદ’ સ્થિતિ

યારોસ્લાવ ઝેલેઝન્યાકે આ અંગે જણાવ્યું હતું કે પુખ્ત સામગ્રી બનાવતી મહિલાઓ માટે બે વિકલ્પ જેવી સ્થિતિ છે, કાં તો ટેક્સ ન ચૂકવીને ગુનો કરવો અથવા ટેક્સ ચૂકવીને અશ્લીલતા સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો કરવો.

તેમના જણાવ્યા મુજબ, કેટલાક સર્જકોએ પોતાની આવક જાહેર કર્યા બાદ તેમને કિવ તરફથી ટેક્સચોરી અને ગેરકાયદેસર રીતે પુખ્ત સામગ્રીના ઉત્પાદન અંગે નોટિસ પણ મળી હતી.

લાંચ લેવાના પણ આરોપ

યુક્રેનના જનરલ પ્રોસિક્યુટર ઓફિસના ખુલાસા મુજબ, ત્રણ અલગ-અલગ પ્રદેશોના અધિકારીઓએ પોલીસ કાર્યવાહીથી બચાવવા માટે આશરે 20 હજાર ડોલરની લાંચ સ્વીકારી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

બીજી તરફ, ફેનિક્સ ઇન્ટરનેશનલના આંકડા અનુસાર, 2023 દરમિયાન 7,900થી વધુ યુક્રેનિયનોએ એક ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે 131 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી.

હવે પ્રસ્તાવિત બિલ દ્વારા આ સમગ્ર ક્ષેત્રને કાયદાકીય માળખામાં લાવી તેના પર ટેક્સ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, બિલને અંતિમ મંજૂરી મળવી હજુ બાકી છે.


આ પણ વાંચો: ભારતની શાંતિ પહેલને રશિયાનું સમર્થન, કહ્યું- ‘વાતચીત માટે તૈયાર છીએ, નિર્ણય યુક્રેનનો’

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર; કીવ સહિત 9 શહેરો પર ભીષણ મિસાઈલ હુમલા, યુક્રેનનો વળતો પ્રહાર

આ પણ વાંચો: યુક્રેનના ક્રિવી રીહમાં શૉપિંગ સેન્ટર પર રશિયાનો ભીષણ ડ્રોન હુમલો: 14 લોકોના મોત, 121થી વધુ ઘાયલ