Ahmedabad News/ હેબિયસ કોર્પસ અરજી સાથે 30 વર્ષના લિવ-ઈનનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

Ahmedabadમાં 30 વર્ષથી લિવ-ઈનમાં રહેતી 60 વર્ષની મહિલાએ પ્રેમીને બહેનની કેદમાંથી છોડાવવા હાઈકોર્ટમાં અરજી કરી. પ્રાઈવેટ જાસૂસ રાખતા ખુલ્યા અજાણ્યા સ્થળે ગોંધી રાખ્યાના રાઝ.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Live-in Relationship Case

Ahmedabad Live-in Relationship Case: સમાજ અને કાયદાની આંખે ભલે લિવ-ઇન રિલેશનશિપ હવે સામાન્ય બની ગયું હોય, પરંતુ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોઈ બોલિવૂડની થ્રિલર ફિલ્મની સ્ટોરીથી કમ નથી. 30 વર્ષ સુધી એક જ છત નીચે પતિ-પત્નીની જેમ રહ્યા અને એક દીકરાના માતા-પિતા બન્યા છતાં, 60 વર્ષની ઉંમરે આ કપલની લવ-સ્ટોરી હવે ગુજરાત હાઇકોર્ટના દરવાજે પહોંચી છે. પ્રેમિકાએ પોતાના પ્રેમીને તેની જ સગી બહેનની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ‘હેબિયસ કોર્પસ’ અરજી દાખલ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે.

Ahmedabad : 1996 થી શરૂ થયેલી અનોખી લવ સ્ટોરીમાં આવ્યો ટ્વિસ્ટ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રેમકહાનીની શરૂઆત આજથી ત્રણ દાયકા પહેલા એટલે કે વર્ષ 1996માં થઈ હતી. તે સમયે બંનેની ઉંમર 30 વર્ષ આસપાસ હતી. સમાજના રીત-રિવાજોની પરવા કર્યા વિના બંનેએ લગ્ન કર્યા વગર સાથે રહેવાનો બોલ્ડ નિર્ણય લીધો હતો. 30 વર્ષ સુધી તેઓ અમદાવાદમાં ખુશીથી સાથે રહ્યા, પરંતુ ફેબ્રુઆરી 2026 માં અચાનક આ સંબંધમાં કોઈની નજર લાગી ગઈ અને બંને એકબીજાથી વિખૂટા પડી ગયા.

પ્રાઇવેટ જાસૂસ રોક્યો અને ખુલ્યું ચોંકાવનારું રાઝ

60 વર્ષીય મહિલાએ હાઈકોર્ટમાં ધા નાખતા ગંભીર આક્ષેપ કર્યો છે કે તેના પાર્ટનરની બહેને (પ્રેમીની સગી બહેને) તેને ગાંધીનગરમાં ક્યાંક ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યો છે. બીમારીનું બહાનું કાઢીને બહેન પોતાના ભાઈને તેની પ્રેમિકા સાથે મળવા દેતી નથી. જ્યારે પોલીસ કમિશનર કચેરીથી કોઈ યોગ્ય મદદ ન મળી, ત્યારે મહિલાએ પ્રાઈવેટ ડિટેક્ટિવ (જાસૂસ) રોક્યો હતો. જાસૂસની તપાસમાં સામે આવ્યું કે તેના પ્રેમીને કોઈ ગુપ્ત અને અજાણ્યા સ્થળે રાખીને સતત દવાઓ આપવામાં આવી રહી છે.

સાચો પ્રેમ છે કે મિલકત પચાવવાનો ખેલ?

મહિલાની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે પુરુષને કોર્ટ સમક્ષ હાજર કરવાનો સખત આદેશ આપ્યો હતો. જ્યારે 60 વર્ષીય આ પ્રેમીને કોર્ટમાં લાવવામાં આવ્યો, ત્યારે તેની શારીરિક સ્થિતિ ખૂબ જ નબળી અને બીમાર જણાતી હતી. જોકે, કોર્ટમાં તેણે સ્પષ્ટપણે પોતાની પ્રેમિકા (અરજદાર મહિલા) સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

બીજી તરફ, પુરુષની બહેને કોર્ટમાં આકરો બચાવ કરતા દાવો કર્યો હતો કે, “આ મહિલાને મારા ભાઈ સાથે કોઈ પ્રેમ નથી, પરંતુ તેને માત્ર ભાઈની કરોડોની મિલકતો પચાવી પાડવામાં જ રસ છે.”

આગળ શું થશે?

હાલમાં આ હાઈપ્રોફાઈલ મામલે ભારે સસ્પેન્સ સર્જાયું છે. ગુજરાત હાઇકોર્ટે પુરુષની બહેન પાસે આ સમગ્ર મામલે વિસ્તૃત અને લેખિત જવાબ માંગ્યો છે. હવે આ રસપ્રદ કેસની આગામી સુનાવણી જૂન મહિનામાં હાથ ધરવામાં આવશે. પાછલી ઉંમરે પ્રેમ અને મિલકતનો આ કાનૂની જંગ હવે કયું નવું સ્વરૂપ લેશે, તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો: વન બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પર સવાલ, ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે સિનિયર જજને સસ્પેન્ડ કર્યા પછી FIRમાં પણ આવ્યું નામ

આ પણ વાંચો: ખેડૂતની જમીનનો બળજબરી કબ્જો લેનારી ONGCની ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢી