Gandhinagar News: કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે આક્રમકતાથી દારૂબંધીને લગતા સવાલો ઉઠાવ્યા હતા હવે તે જ રીતે તેમને આક્રમક જવાબો પણ મળવા લાગ્યા છે. પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આડકતરી રીતે તેમના પર પ્રહારો કર્યા બાદ હવે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ તેમના પર સીધા પ્રહાર કર્યા છે.
યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે એક ધારાસભ્ય તરીકે જિજ્ઞેશ મેવાણી જે ફોરમમાં કામ કરવું જોઈએ તે રીતે કરતા નથી. તેમને કામ કશું કરવું નથી પણ લોકોની વાહવાહી લૂંટવી છે. જિજ્ઞેશ મેવાણી વાહવાહી લૂંટવા માટે જાતજાતની વાતો કરે છે, દાવા કરે છે, પરંતુ જ્યારે પ્રજાના હિતની જ વાતો હોય અને તેને લગતી બેઠકો હોય ત્યાં તેમની હાજરી હોતી નથી. તેનું કારણ એ છે કે તેમને ખબર છે કે અહીં તેમની વાહવાહી થવાની નથી, કારણ કે અહીં મહેનત કરવાની છે. પ્રજાનું કામ કરવાનું છે.
તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય બન્યા પછી કોંગ્રેસ પક્ષની જ સંકલન સમિતિની 53 બેઠક થઈ, તેમાથી 13 બેઠકમાં જ તે હાજર રહ્યા છે. આમ પક્ષની બેઠકમાં જ હાજર રહેવાનો તેમનો રેશિયો માંડ 25 ટકા છે. હવે જો તે પક્ષની જ બેઠકમાં હાજર રહેતાં ન હોય તો પછી બીજા પ્રજાકીય કાર્યોની વાત જ ક્યાં કરવી.
મહેસાણામાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા પૂરી થઈ હતી અને તે વખતે પણ જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ ત્યાં બહુચર માતાના મંદિરમાં જઈને તેમના દર્શન પણ કર્યા ન હતા અને ત્યાં જય ભીમના નારા લગાવ્યા હોવાનું લોકમુખે ચર્ચાય છે. આના કારણે કોંગ્રેસમાં પણ કેટલાય લોકોની આસ્થાને ઠેસ પહોંચી હોય તેમ તેમણે જણાવ્યું હતું. હવે પોતાના જ પક્ષના નિયમોનો ઘોળીને પી જનારા જિજ્ઞેશ મેવાણી પક્ષના નેતાઓને ગાંઠતા નથી અને સામે શાસક પક્ષ પર વાહિયાત આક્ષેપો કરે છે. બેફામ બોલવું સહેલું છે, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરવું અઘરું છે.

