Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ઘી કાંટા ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા કોંગ્રેસ(Congress) પર તીખા પ્રહાર કર્યા હતા.
સભાની શરૂઆત ‘જય શ્રી રામ’ના નારા સાથે કરતાં સંઘવીએ દરિયાપુરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ(Congress)ના શાસનકાળની ટીકા કરતા કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે અમદાવાદ ‘લતીફનું અમદાવાદ’ તરીકે ઓળખાતું હતું અને ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પણ બુલેટપ્રૂફ સુરક્ષા ગોઠવવી પડતી હતી. હાલ ભાજપના શાસનમાં સ્થિતિ બદલાઈ ગઈ છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બની છે.
ધંધુકા ઘટના અને બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ

હર્ષ સંઘવીએ ધંધુકામાં ધર્મેશ ભરવાડ હત્યા કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુંડાતત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. “બુલડોઝર હવે ધંધુકાથી શરૂ થઈ રાજ્યના દરેક ખૂણામાં પહોંચશે જ્યાં અન્યાય થયો હશે,” એમ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે દાવો કર્યો કે હજારો હેક્ટર જમીન ગેરકાયદે કબ્જાથી મુક્ત કરાવવામાં આવી છે.
દરિયાપુરનો ઈતિહાસ અને વિકાસ
દરિયાપુરને ઈતિહાસ અને સંસ્કૃતિની ધરતી ગણાવતા સંઘવીએ કહ્યું કે અહીંથી જ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વિસ્તારના મંદિરો, પોળ અને વારસાને જાળવી રાખતાં આધુનિક વિકાસ તરફ આગળ વધવાનો ભાજપનો સંકલ્પ છે.
‘નવરાત્રી બંધ કરાવી દેશે’ નિવેદન
મતદારોને સંબોધતા સંઘવીએ કોંગ્રેસ (Congress)પર આરોપ લગાવ્યો કે જો તેઓ સત્તામાં આવશે તો સંસ્કૃતિ અને તહેવારો પર અસર થશે. તેમણે કહ્યું કે કોંગ્રેસની એક પણ ‘ચૌદશ’ જીતવી ન જોઈએ, નહીં તો મોડીરાત્રિ સુધી ચાલતી નવરાત્રી જેવી પરંપરાઓ પણ બંધ કરાવવાનો પ્રયાસ થઈ શકે.
મતદાન માટે અપીલ
સભાના અંતે હર્ષ સંઘવીએ દરેક મતદારોને અપીલ કરી કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એકપણ વ્યક્તિ મતદાન કર્યા વગર ન રહે. કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં વિકાસના નામે વાતોના વડાને લઈને ભારે કચવાટ
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
