Surat News : સુરત (Surat)ના વેડ રોડ વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે થયેલી ઝૂંપડપટ્ટી દૂર કરવાની કાર્યવાહી હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે. મનપાની કાર્યવાહી બાદ જ્યાં મોટા ભાગના રાજકીય નેતાઓએ જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું, ત્યાં ભાજપના પ્રદેશ સ્તરના એક નેતાની સોશિયલ મીડિયા પોસ્ટોએ સમગ્ર મામલાને નવી દિશા આપી છે.
નાસીરનગર ડિમોલિશન ((Nasirnagar Demolition) )ને યોગ્ય ગણાવતા વિરોધ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા
ગુજરાત ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતી (Mukesh Gujarati)એ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં નાસીરનગર ડિમોલિશન ((Nasirnagar Demolition) )ને યોગ્ય ગણાવતા વિરોધ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે જો કોઈને લાગે છે કે કાર્યવાહી ખોટી છે, તો તેઓએ પોતાનાં પ્લોટ અથવા મિલકતમાં અસરગ્રસ્ત લોકોને વસવાટ માટે જગ્યા આપવી જોઈએ.
મુકેશ ગુજરાતીએ બીજી પોસ્ટમાં દાવો કર્યો કે સરકારી અને જાહેર હિતની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી થવી જ જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો અને રાજકીય પક્ષો આ મુદ્દે માત્ર મતબેંકની રાજનીતિ કરી રહ્યા છે.

મામલાને વધુ ગંભીર બનાવતા તેમણે વિસ્તારમાં વસતા લોકોના દસ્તાવેજો અને ઓળખ અંગે પણ તપાસની માંગ કરી છે. સાથે જ કેટલાક લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો તો નથી ને, તે અંગે પણ સઘન તપાસ થવી જોઈએ એવી માંગણી કરી છે.
ભાજપ નેતાએ સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જો ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થાય છે તો જાહેર રસ્તાઓ પર વર્ષોથી ઉભેલા દબાણો તંત્રની નજર બહાર કેવી રીતે રહ્યા?
આ ઉપરાંત તેમણે વેડ રોડ પર આવેલી એક દરગાહનો મુદ્દો ઉઠાવીને ધાર્મિક આધારિત તુષ્ટિકરણના આક્ષેપો પણ કર્યા છે. તેમની આ પોસ્ટો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે, જ્યારે વહીવટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
નાસીરનગર ડિમોલિશન (Nasirnagar Demolition) મુદ્દે ભાજપના નેતાની ખુલ્લી ટિપ્પણીઓએ હવે સમગ્ર ઘટનાને માત્ર વહીવટી કાર્યવાહી નહીં પરંતુ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.
આ પણ વાંચો: સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા અયોગ્ય ડિમોલિશનને લઈને કોર્ટમાં અરજી
આ પણ વાંચો: સુરતના નાસીરનગરમાં ડિમોલિશનમાં પારસીબાનુના મનપા પરના આક્ષેપથી વિવાદ
આ પણ વાંચો: સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો
