Mehsana Municipality Water Tanker Leakage: મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક મોટી બેદરકારી સામે આવી છે. લોકો જે ટેન્કર માટે રૂપિયા ચૂકવી રહ્યા છે, તે ટેન્કર પોતે જ જર્જરિત હાલતમાં છે. મનપાના ટેન્કરમાંથી રસ્તા પર પાણીનો વ્યય થતો હોય તેવો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
રૂપિયા ચૂકવવા છતાં પૂરું પાણી મળતું નથી
મહેસાણામાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને કારણે લોકો કોર્પોરેશન પાસેથી ટેન્કર મંગાવતા હોય છે. આ માટે લોકો નિયત રકમ (રૂપિયા) પણ ચૂકવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે ટેન્કર લોકોને પાણી પહોંચાડવા નીકળે છે, તે જ તૂટેલું છે. ટેન્કરમાં ગાબડાં હોવાને કારણે અડધું પાણી તો ઘર સુધી પહોંચતા પહેલા જ રસ્તા પર ઢોળાઈ જાય છે. પરિણામે, પૂરા પૈસા આપ્યા બાદ પણ લોકોને પૂરતું પાણી મળી રહ્યું નથી.
ભાજપ કાર્યકરે જ મનપાની પોલ ખોલી
આ સમગ્ર મામલે રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે શાસક પક્ષ ભાજપના જ એક કાર્યકરે આ તૂટેલા ટેન્કરનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાલુ ટેન્કરે પાણી રોડ પર રેલાઈ રહ્યું છે. ભાજપ કાર્યકરે જ તંત્રની પોલ ખોલતા હવે મનપાના અધિકારીઓ દોડતા થયા છે.
તંત્ર સામે સવાલો
એક તરફ સરકાર ‘જળ એ જ જીવન’ ના નારા આપી પાણી બચાવવાની અપીલ કરે છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. શું મનપા પાસે ટેન્કર રીપેર કરાવવાના પૈસા નથી? કે પછી કોન્ટ્રાક્ટરોના પાપે જનતા પરેશાન થઈ રહી છે? તેવા સવાલો અત્યારે મહેસાણામાં ઉઠી રહ્યા છે.
