Lucknow News : અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)સાથે જોડાયેલા બેવડી નાગરિકતા કેસમાં મહત્વપૂર્ણ વળાંક(New Twist) આવ્યો છે. ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીએ કેસની સુનાવણી કરવાનો ઇનકાર(Refusal) કરી પોતાને અલગ કરી દીધા છે.
સોમવારે સુનાવણી શરૂ થતાં જ જજએ અરજદાર વિગ્નેશ શિશિરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી. જજએ કહ્યું કે કોર્ટ વિરુદ્ધ આક્ષેપ કરવો યોગ્ય નથી અને અરજદારે રાજકીય લાભ માટે કોર્ટનો ઉપયોગ કર્યો છે. તેમણે જણાવ્યું કે “મારી સાથે અન્યાય થયો છે અને મને હેરાન કરવામાં આવ્યો છે.”
આ પરિસ્થિતિમાં જજએ કેસ સાંભળવાનો ઇનકાર કરી ફાઇલ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલવાનો આદેશ આપ્યો, જેથી નવી બેન્ચ રચાઈ શકે.
આ કેસમાં અગાઉ 17 એપ્રિલે હાઇકોર્ટે રાહુલ ગાંધી સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે, બીજા જ દિવસે 18 એપ્રિલે કોર્ટે પોતાનો આદેશ પાછો ખેંચ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાહુલ ગાંધીને નોટિસ આપ્યા વિના આ પ્રકારનો આદેશ આપવો યોગ્ય નથી.
આ દરમિયાન અરજદાર વિગ્નેશ શિશિરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક વિવાદાસ્પદ પોસ્ટ્સ કરી હતી. જેમાં તેમણે ઇન્ટરસેપ્ટેડ કોલ જાહેર કરવાની ધમકી આપી હતી તેમજ કોર્ટ અને ન્યાયાધીશ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. કોર્ટે આ પોસ્ટ્સને કોર્ટની છબી ખરાબ કરતી ગણાવી હતી.

સુનાવણી દરમિયાન જજ અને અરજદાર વચ્ચે તીવ્ર ચર્ચા પણ થઈ હતી. જજએ પ્રશ્ન કર્યો કે “કોર્ટ વિરુદ્ધ બોલવું કેવી રીતે યોગ્ય છે?” જેના જવાબમાં અરજદારે જણાવ્યું કે પોસ્ટ્સ કોર્ટ માટે નહીં પરંતુ તેમના પર દબાણ કરનારાઓ માટે હતી. તેમ છતાં જજ સંતોષ પામ્યા નહીં અને અંતે કેસમાંથી અલગ થઈ ગયા.
કેસની પૃષ્ઠભૂમિ મુજબ, આ મામલો પહેલાં રાયબરેલીની કોર્ટમાં દાખલ થયો હતો અને બાદમાં લખનૌમાં ટ્રાન્સફર થયો હતો. જાન્યુઆરી 2026માં સ્થાનિક કોર્ટ દ્વારા અરજી ફગાવવામાં આવ્યા બાદ અરજદારે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
અરજદારનો દાવો છે કે તેમણે એવા દસ્તાવેજો રજૂ કર્યા છે જેમાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ના વિદેશી નાગરિકતા સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ છે. જોકે, 2019માં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ આવી જ અરજી ફગાવી દીધી હતી.
હાલમાં, જજના ઇનકાર બાદ હવે આ કેસ નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે જશે, જે પછી આગળની કાર્યવાહી નક્કી થશે.
