National news: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કરેલી કથિત ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં આવેલી MP/MLA કોર્ટમાં હાજર થયા હતા. તેઓ લગભગ 20 મિનિટ સુધી કોર્ટમાં રહ્યા અને પોતાનું નિવેદન નોંધાવ્યું. તેમના વકીલ મુજબ, રાહુલે પોતાના પર લગાવાયેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ મામલો રાજકીય દ્વેષથી પ્રેરિત છે. આ કેસની આગામી સુનાવણી 9 માર્ચે યોજાશે.
વકીલોએ જણાવ્યું કે કોર્ટમાં પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ હાથ જોડીને જજને પ્રણામ કર્યા હતા અને સુનાવણી બાદ જજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધી (Rahul Gandhi) રામચેત મોચીની દુકાને ગયા
કોર્ટમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધી રામચેત મોચીની દુકાને ગયા, જ્યાં તેમણે તેમના પરિવારજનોને મળ્યા. ત્યાં તેમણે રામચેતની પૌત્રી શ્રદ્ધાને પોતાના ખોળામાં ઉઠાવી હતી. છોકરીના પગ પર ઈજા જોઈને રાહુલે તેની હાલત વિશે પૂછપરછ કરી. શ્રદ્ધાએ કહ્યું કે તેને વાગ્યું હતું અને હજુ સુધી સારી રીતે સાજી નથી થઈ. ત્યારબાદ રાહુલે પ્રદેશ પ્રમુખ અજય રાય સાથે તેના સારવાર અંગે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે રામચેતનું ત્રણ મહિના પહેલાં કેન્સરના કારણે અવસાન થયું હતું. રામચેત એ જ મોચી હતા જેમની દુકાન પર એક વર્ષ પહેલાં રાહુલે પોતાના જૂતા સીવડાવ્યા હતા, અને રાહુલે તેમને સિલાઈ મશીન પણ ભેટમાં મોકલ્યું હતું.

કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોક્યા
કોર્ટમાં રાહુલ ગાંધી સાથે આવેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે બહાર રોક્યા હતા, જ્યારે સુરક્ષા કર્મચારીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુલતાનપુર પહોંચતા જ કોંગ્રેસ કાર્યકરોએ “રાહુલ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા અને માળા પહેરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ રાહુલે ઈનકાર કર્યો હતો. તેઓ હસતા હસતા કોર્ટમાં પ્રવેશ્યા અને મીડિયાથી વાતચીત ટાળી હતી. કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સુરક્ષા કારણોસર તેમને બીજા દરવાજાથી બહાર લઈ જવામાં આવ્યા હતા.

સુલતાનપુર કોર્ટની બહાર પોસ્ટરો લગાવ્યા
સુલતાનપુર કોર્ટની બહાર રાહુલ ગાંધીના ફોટા સાથે “સત્યમેવ જયતે” લખેલા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ કેસ લગભગ આઠ વર્ષ જૂનો છે. આરોપ છે કે 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલે અમિત શાહ અંગે અપમાનજનક નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી
આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે
