Junagadh indrabharti News: છેલ્લા કેટલાક દિવસોથી ભવનાથમાં સાધુઓ વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે અને હવે મામલો ગંભીર સ્તરે પહોંચ્યો છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય તથા લાંબા સમયથી મહંત પદના દાવેદાર અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારતી સામે ભારે આરોપો લગાવતાં સમગ્ર સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
અમરગીરી બાપુએ ઈન્દ્રભારતી પર નશાકારક પદાર્થો અને યુવતીઓ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાના આક્ષેપ કર્યા છે, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
કીર્તિ પટેલના સ્નાન બાદ વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું
મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ શરૂ થયેલો વિવાદ હજુ સુધી શમ્યો નથી. અમરગીરી બાપુએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા કરાયેલા આક્ષેપોને સમર્થન આપ્યું છે અને ઈન્દ્રભારતી (indrabharti) સામે કડક ભાષામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોઈથી ડરતા નથી અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ ગંભીર છે.
તેમણે આશ્રમના ગેટ બંધ રાખવાના નિર્ણય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું કે આશ્રમમાં ચાલી રહેલી બાબતો બહાર આવવી જોઈએ.

યુવતીઓ અને નશાના ધંધાના આક્ષેપ
અમરગીરી બાપુએ દાવો કર્યો છે કે કેટલાક સાધુઓ યુવતીઓ લાવવાનો કારોબાર કરે છે તેમજ ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન અને કોકેઈન જેવા નશીલા પદાર્થોનો ઉપયોગ તથા વેપાર કરે છે. તેમણે કહ્યું કે આ સાધુઓ પાસે કરોડો રૂપિયાનું સંપત્તિ છે અને તેઓ રાજાઓ જેવી જીવનશૈલી જીવે છે કારણ કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કમાણી કરે છે.
તેમણે ભવનાથ પર કબજો જમાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો અને પોતાના ગુરૂભાઈ રમેશગીરી બાપુના મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યો છે. સરકારને તેમણે માંગ કરી છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ધર્મના વેશમાં કુકર્મ કરનારા લોકોનો પડદાફાશ થવો જોઈએ.

નવા મહંતની તાત્કાલિક નિમણૂકની માંગ
અમરગીરી બાપુએ ભવનાથ અને અંબાજી મંદિર માટે મહંતની નિમણૂક અંગે કલેક્ટર અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે નિમણૂકનો ઓર્ડર વહેલી તકે જાહેર કરવામાં આવે. તેમના જણાવ્યા મુજબ, નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થવી ભવનાથ મંદિરના હિતમાં છે.
તેમણે મૃગીકુંડમાં ગૃહસ્થ લોકોના સ્નાન અંગે ચાલી રહેલા વિવાદમાં સાધુઓની ભૂમિકા અંગે પણ ટીકા કરી અને કહ્યું કે સાધુ સમાજે મર્યાદા જાળવવી જોઈએ.
ઈન્દ્રભારતી ( indrabharti) સામે મુખ્ય આક્ષેપો શું છે?
અમરગીરી બાપુએ આરોપ લગાવ્યો છે કે ભવનાથના કેટલાક સાધુઓ ધર્મની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તેમના આક્ષેપ મુજબ—
- તેમની પાસે સાધુઓના અસલી ચહેરા સામે લાવનારા વીડિયો અને પુરાવા હોવાનું તેમણે જણાવ્યું છે.
- આશ્રમોમાં આવતી મહિલાઓ અને ભક્તો સાથે અયોગ્ય વર્તન થતો હોવાનો દાવો કર્યો છે.
- સમગ્ર મામલાની સરખામણી જેફરી એપસ્ટિન કેસ સાથે કરતાં તેમણે ગંભીર સંકેતો આપ્યા છે.
આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી
આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે
