Dholera SIR Green AI Data Center: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘MANAV’ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી છે. નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ અંતર્ગત ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો (L&T) વ્યોમા વચ્ચે ધોલેરા SIR ખાતે હાઇપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર થયા છે.
₹25 હજાર કરોડનું રોકાણ અને હજારો રોજગારી
સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ ઐતિહાસિક MOU મુજબ, L&T વ્યોમા ધોલેરા SIRમાં 250 મેગાવટનું અત્યાધુનિક ‘ગ્રીન AI રેડી ડેટા સેન્ટર’ કેમ્પસ તૈયાર કરવા જઈ રહ્યું છે. આ વિશાળ પ્રોજેક્ટમાં કુલ ₹25,000 કરોડનું માતબર રોકાણ કરવામાં આવશે અને આ સેન્ટર સંભવતઃ વર્ષ 2028 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી કન્સ્ટ્રક્શનથી લઈને હાઈ-ટેક ઓપરેશન્સ સુધીના વિવિધ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની અનેક મોટી તકો ઊભી થશે, જે રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.

કેમ ખાસ છે આ SIR Green AI Data Center પ્રોજેક્ટ?
ધોલેરા SIR ખાતેનું આ કેમ્પસ માત્ર ડેટા સેન્ટર નહીં, પરંતુ ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને ટકાઉ ડિજિટલ ઇકોસિસ્ટમનું હબ બનશે. તે ગ્લોબલ AI કંપનીઓને ગુજરાત તરફ આકર્ષિત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. આ પહેલ ગુજરાતની IT/ITeS નીતિ (2022-27) ને વધુ વેગ આપશે.
PM મોદીનું ‘MANAV’ વિઝન અને ગુજરાતનું બજેટ
સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ AI માટે “MANAV” વિઝન આપ્યું છે, જેનો અર્થ નૈતિક પ્રણાલી, જવાબદાર શાસન, ડેટા સાર્વભૌમત્વ, સુલભ ટેકનોલોજી અને માન્ય પ્રણાલીઓ થાય છે. આ વિઝનને અનુસરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ચાલુ વર્ષના બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹850 કરોડની માતબર ફાળવણી કરી છે.
શું કહે છે મંત્રી અર્જુન મોઢવાડિયા?
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે આ MOU દ્વારા ગુજરાત ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી બનશે. પ્રોજેક્ટની સફળતા માટે સરકાર તમામ જરૂરી વહીવટી સહકાર અને માળખાગત સુવિધાઓ પૂરી પાડશે.
આ પણ વાંચોઃ હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ જામનગરમાં મેરેથોન, મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો
આ પણ વાંચોઃ રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ પહેલ: ‘Mapmyindia’ સાથે MoU…
