Jamnagar News:જામનગર તા.13 ડીસેમ્બર આજે, રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેરેથોન અને તા.14 રવિવારના રોજ સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

“મેરેથોન માત્ર દોડ નથી” – મંત્રી અર્જુન મોઢવાડિયા
જામનગરમાં ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં, જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે.સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાન શરુ કરાવ્યું છે.

મેરેથોનનો રૂટ નવા ફ્લાયઓવર પર દોડ્યું જામનગર
ખાસ નોંધનીય બાબત એ હતી કે મેરેથોનનો રૂટ નવા બનેલા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતો હતો, જેનાથી વિકાસ અને સ્વસ્થતાનો સંદેશ એકસાથે પ્રસરી રહ્યો હતો. ઓશવાળ ઇંગ્લીશ એકેડમી, ઇન્દિરા માર્ગ, સાત રસ્તા, નવો ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન થઈ પરત ઓશવાળ ઇંગ્લીશ એકેડમી સુધીનો આ રૂટ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહ્યો.

દરેક ભાગ લેનાર સાચો વિજેતા
આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરવાસીઓ ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વડીલોની ઉત્સાહભરી ભાગીદારી જોઈને મને ખૂબ ગર્વ થાય છે. જીત મહત્વની છે, પરંતુ ભાગ લેવું અને પ્રયત્ન કરવો વધુ મહત્વનું છે. આજે અહીં હાજર દરેક દોડનાર સાચો વિજેતા છે.
રવિવારે સાયક્લોથોનનું આયોજન
તા.14 ડીસેમ્બર રવિવારના રોજ પણ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયકલોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને વિજેતાઓ માટે સાયકલનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ
આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, એ.એસ.પી. પ્રતિભા, પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) બ્રિજેશ કાલરીયા, કોર્પોરેટરઓ, અગ્રણીઓ, અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વદેશી, સ્વસ્થતા અને સામૂહિક સંકલ્
આ મેરેથોન માત્ર એક રમતગમત ઇવેન્ટ નહીં પરંતુ હર ઘર સ્વદેશી અને ફીટ ઇન્ડિયા અભિયાનના સંદેશને જન-જન સુધી પહોંચાડતું એક સશક્ત માધ્યમ બની. જામનગરમાં યોજાયેલ આ કાર્યક્રમથી સ્વદેશી વિચાર, સ્વસ્થ જીવન અને સામૂહિક જવાબદારીનો સંદેશ મજબૂત રીતે પ્રસરી રહ્યો છે.
આ પણ વાંચોઃગુજરાત સરકારે ગ્રામજનો માટે લીધો મોટો નિર્ણય, 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત કાઢી આપશે
આ પણ વાંચોઃભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર


