@મોહસીન દાલ, પંચમહાલ
કોવિડ વેક્સિનેશનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ સહિત કોરોના કામગીરી સાથે સંકળાયેલ તેમજ સંક્રમણનું વધુ જોખમ ધરાવતા સરકારી-અર્ધ સરકારી- ખાનગી-કોન્ટ્રાક્ચ્યુલ કર્મચારીઓના ડેટા એકત્રીકરણ અને ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જિલ્લા કલેકટર અમિત અરોરાએ જિલ્લા સેવાસદન ખાતે આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.
ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતના આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટરે ડેટા એકત્ર કરવા માટેના વિશેષ સોફ્ટવેર COWIN (કોવિડ-૧૯ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક), અત્યાર સુધી કરાયેલ ડેટા એન્ટ્રી, રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં પ્રગતિ અંગે સૂક્ષ્મ માહિતી મેળવતા ઉપયોગી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.
તેમજ ઉપસ્થિત શાખા અધિકારીઓને આપેલ ફોર્મેટમાં જ ચોક્કસ એન્ટ્રી કરાવવા તેમજ કોરોના સંક્રમણનું જોખમ ધરાવતી કોઈ વ્યક્તિ નોંધણીમાંથી બાકાત રહી ન જાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. હેલ્થકેર સહિત જાહેર સંપર્ક પ્રકારની કામગીરી ધરાવતા વિભાગોના સ્ટાફમાં અંશકાલીન, કરાર આધારિત સહિતના કર્મચારીઓને આવરી લેવા તેમણે નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત વેક્સિનેશનના સેશન્સ મેનેજમેન્ટ, સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ, કોલ્ડ સ્ટોરેજ મેનેજમેન્ટ, ઈવિન સોફ્ટવેર, કોલ્ડ સ્ટોરેજ ખાતે રીમોટ ટેમ્પરેચર મોનિટરિંગ સહિતની વ્યવસ્થાઓની વિગતવાર માહિતી મેળવતા જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી કણસાગરા, જિલ્લા પુરવઠા અધિકારી એન. રાજપૂત, આર એન્ડ બી (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર સહિતના વિવિધ ભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
