Gujarat Weather/ Gujarat Rain Live: સૌરાષ્ટ્ર થયું જળબંબાકાર, પોરબંદર-દ્વારકામાં સ્થિતિ નાજુક

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી……

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરમાં 24 કલાકમાં 26 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. દ્વારકામાં માત્ર બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ વલસાડમાં 6.5 ઇંચ તો ઉમરગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં મોડી રાત્રે ધોધમાર પાંચ ઇંચ સાથે રાત્રી સુધીમાં સાડા તેર ઇંચ પાણી વરસી ગયું હતુ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારે જુનાગઢ જિલ્લામાં અને દ્વારકા વરસાદ વરસ્યો છે.

જયારે દ્વારકામાં સવારથી હળવા વરસાદ બાદ સાંજે ચાર વાગ્યે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બે કલાકમાં જ દશેક ઇંચ પાણી ઠાલવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.જયારે ખંભાળીયામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડયો હતો.ભાણવડમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. દેવભૂમિમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીર આવ્યા હતા.

ગુજરાતના 105 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ છે. બીજી બાજુએ મધ્ય ગુજરાતમાં મધ્યમ તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે. રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં 227 મી.મી., જુનાગઢ જિલ્લામાં 176 મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં 86 મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં 46 મી.મી., નવસારી જિલ્લામાં 41 મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સાંજના છ કલાક સુધીમાં સરેરાશ 328.44 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૩૭.૨૦ ટકા જેટલો થાય છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13 એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 જળાશયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.

Gujarat Rain Live Update

રાજ્યમાં 2 કલાકમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે  જૂનાગઢના માંગરોળ 1 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો હતો. મોરબીના ટંકારામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

જુનાગઢના દાતાર પર્વત નું પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યું છે. ત્યારે પ્લાસવા, સોડવદર અને ઘૂડવદર ગામમાં પાણી ઘૂસ્યા હતા તેમજ    હજારો વિઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.જેથી કાળવા નદીનું પાણી કબુતરી ખાણમાંથી ડાયવર્ટ કરાયું હતું.પાણી ફરી વળતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો, ગ્રામ્ય પંથકમાં પાણી ફરી વળતા જનજીવનને ભારે અસર પહોચી છે. તેમજ તંત્ર સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

બોટાદના રાણપુર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે બરવાળા અને ત્યારબાદ રાણપુર પંથકમાં વરસાદ વરસ્યો હતો.કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર વરસાદના પાણી રોડ ઉપર વહેતા થયા હતા.રાણપુર સહિત તાલુકાના રાજપરા ,ખોખનીયામાં વરસાદ વરસ્યો હતો.અલમપુર, નાનીવાવડી,સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો.

જૂનાગઢ વરસાદ 

જૂનાગઢના વંથલી ઓઝત વિયરડેમમાં પાણીની આવક વધી છે. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધ્યો છે ત્યારે ઉપરવાસમાં અને પંથકમાં મેઘતાંડવ ને લઇ ઘોડાપૂર આવ્યું છે , તેમજ 27,000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમ પર 2.30 મીટરનો ઓવરફ્લો થયો છે,તેમજ વંથલી,આખા, કણઝા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.પાણીનો પ્રવાહ જોવા લોકોનો ડેમ પર મેળાવડો જોવા મળ્યો હતો.

બોટાદ વરસાદ 

બોટાદના બરવાળા શહેર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા તેમજ મુખ્ય બજાર, ખમીદાણા દરવાજા વિસ્તાર પાણી પાણી થયા હતા.ત્યારે શક્તિ શોપિંગ સેન્ટર પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા.પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો ને હાલાકી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પોરબંદર વરસાદ 

પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે  ત્યારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા  હતા તેમજ પોરબંદરની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર પંથકમાં હજુ ભારે વરસાદની આગાહિ કરવામાં આવી છે.

રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની અંબાલાલે આગાહી કરી છે ત્યારે ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.23-24 જુલાઈ અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ સર્જાઈ છે.મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાવાની શક્યતા છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે.જ્યાં વરસાદ નોંધાયો નથી ત્યાં પણ વરસાદ નોંધાવાની આગાહી કરવામાં આવી છે.

મોરબી વરસાદ 

મોરબીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો હતો તેમજ મોરબીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થતા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી.

દ્વારકા વરસાદ 

યાત્રાધામ દ્વારકામાં મેઘરાજ લીધું 5 કલાક બાદ વરસાદ વિરામ લીધો છે. વરસાદ વિરામના 5 કલાક બાદ ગોઠણડુબ પાણી ભરાઈ ગયું છે.ત્યારે ઇસ્કોન ગેટથી રબારી ગેટ સુધીના હાઇવે પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે,મોટા વાહનોની લાંબી લાઈનો લાગી છે.

દ્વારકાના આવળપરામાં 9 જેટલા લોકો ફસાયા હતા, તેમને ન.પાની ટીમ અને પોલીસે રેસ્કયુ હાથ ધર્યુ હતું. પાણીમાં ફસાયેલાં 9 જેટલાં લોકોને રેસ્ક્યુ કરાયું છે. તમામનું રેસ્ક્ય કરી સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જૂનાગઢના વંથલીમાં યુવાનો પાણીમાં ફસાયા છે. સેલરા ગામે 2 યુવકો પાણીમાં ફસાયા છે. ધસમસતા પાણીમાં બાઈક યુવકો લઈ જતા હતા, ભારે વરસાદના કારણે વોકળામાં આવ્યું ઘોડાપૂર. બાઈક સાથે બંને યુવકો પાણીમાં તણાયા હતા, યુવકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવાયા છે. મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં પાણી ગોઠણ સુધી ભરાયા છે. 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી વેઠવી પડી છે. સતત ત્રણ દિવસથી પાણીમાં રહેવા મજબૂર થયા છે લોકો. ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે. વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે. ઝિંઝૂડા ગામ સંપર્ક વિહોણું થયું છે.

સુરતમાં વરસાદ

ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. ઓલપાડના આસપાસમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી કાળા વાદળો ઘેરાયા છે. અવારનવાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની ફરી એન્ટ્રી થતા ખેડૂતો ખુશ છે. ચોમાસુ ડાંગર સહીતનાં પાકોને ફાયદો થયો છે.

image

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પોરબંદર જવા રવાના થઈ ગયા છે. પોરબંદરમાં ઉભી થયેલી સ્થિતિનું નિરીક્ષણ કરશે. જીલ્લા વહીવટી તંત્ર સાથે બપોરે બેઠક કરશે. પોરબંદરમાં અતિભારે વરસાદને લઇ નિરીક્ષણ કરાયું છે.

ગીરસોમનાથમાં કંટ્રોલરૂમ ઊભો કરાયો

ગીરસોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમથી મદદ મેળવી શકાશે. કંટ્રોલરૂમ નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ સંપર્ક કરવો.

જામનગરના પૂર જેવી સ્થિતિ

જામનગરના બાલંભડી ડેમનો આકાશી નજારો જોવા મળ્યો છે. કાલાવડના બાલંભડી ડેમ ઓવરફ્લોનો નજારો કેમેરામાં કેદ થયો છે.

જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી બાદ જળાશયો છલકાયા છે. જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ભરાયો છે. રણજીતસાગર ડેમની હાલની સપાટી 26.8 ફૂટ પહોંચી છે.

જામનગરના દરેડમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ઉપરવાસમાં વરસાદથી પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. રંગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે. દામોદર કુંડમાં પૂર આવ્યું છે. નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયો છે.

પોરબંદર લોકોનું સ્થળાંતર

પોરબંદરમાં ભારે વર્ષાથી 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. શેલ્ટર હોમ તેમજ સ્કૂલમાં સ્થળાંતર કરાયું છે. શહેર અને ગ્રામ્યની શાળોમાં રજા જાહેર કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. દ્વારકા અને પોરબંદરમાં જળ પ્રકોપ યથાવત છે.

પોરબંદરનું ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયું છે. ઉપરવાસમાં વરસાદના પગલે ઘેડ બેટમાં ફેરવાયું છે. આ વર્ષે સીઝનમાં બીજીવાર પૂર આવ્યું છે. કડછ, મોચા, બગસરા, અમીપુરમાં ગામમાં પણ ઉપરવાસના પાણી ઘુસ્યા છે.

રાજ્યનો સિઝનનો એવરેજ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 54.58 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 23.03 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને દ્વારકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વંથલીમાં 2 ઈંચ જુનાગઢ શહેરમાં સવા ઈંચ તેમજ દ્વારકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. હોટલ, બેન્ક સહિત લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. રબારી ગેટ, ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. વીજળી ગૂલ જતા જનજીવન પરેશાન બન્યું છે.

જૂનાગઢમાં કાળવ, ઓઝત નદીમાં પૂર

જૂનાગઢના ગિરનાર પર આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. જેથી કાળવ નદીમાં પૂર આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પૂર આવતા શાપુર, વડાલ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મેંદરડામાં ધોધમાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદને પગલે નદીમાં આવ્યું ઘોડાપૂર. નીચાણવાળા ગામડાઓને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.

જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓજત નદી બની ગાંડીતૂર, માણાવદરના ચાર ગામો બન્યા સંપર્ક વિહોણા. પાણી ગામમાં આવતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબદંર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ દીવ અને કચ્છ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
દેવભૂમિ દ્વારકા દ્વારકા 14.65
પોરબંદર પોરબંદર 9.96
જુનાગઢ કેશોદ 8.39
જુનાગઢ વંથલી 7.05
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 6.54
વલસાડ ઉમરગામ 6.46
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 4.76
પોરબંદર રાણાવાવ 4.53
વલસાડ વલસાડ 4.21
વલસાડ પારડી 3.74
જુનાગઢ મેંદરડા 3.62
જુનાગઢ જુનાગઢ 3.43
જુનાગઢ જૂનાગઢ શહેર 3.43
જામનગર કાલાવડ 3.39
વલસાડ વાપી 3.35
જુનાગઢ માળીયા હાટીના 3.19
રાજકોટ ઉપલેટા 2.99
જુનાગઢ માણાવદર 2.64
જુનાગઢ ભેસાણ 2.48
રાજકોટ જામકંડોરણા 2.40
દેવભૂમિ દ્વારકા ભાણવડ 2.36
કચ્છ અંજાર 2.17
નવસારી જલાલપોર 2.09
જામનગર જોડીયા 2.01
નવસારી નવસારી 2.01
કચ્છ નખત્રાણા 1.81
નવસારી ખેરગામ 1.73
જુનાગઢ માંગરોળ (જૂનાગઢ) 1.69
કચ્છ લખપત 1.69
ગીર સોમનાથ તાલાલા 1.61

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા