@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ – બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી જતી ગુનાખોરીના કારણે ડીસામાં બિહાર જેવો માહોલ ઉભો થઇ રહ્યો છે, પોલીસનો ખોફ ઓછો હોય તેમ સામાન્ય બોલાચાલીમાં પણ તલવારો ઉછળી રહી છે ત્યારે આવી વધુ એક ઘટના ડીસા હાઇવે સ્થિત બિઝનેશ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં બનવા પામી છે. જેમાં હુમલામાં ઇજાગ્રસ્ત દુકાનદારે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસ ફરિયાદની વિગતો અનુસાર ડીસાના ગેનાજી ગોળીયા ખાતે રહેતા શિવાભાઈ ખેંગાર ભાઈ માળી જલારામ મન્દિર સામે આવેલા બિઝનેશ વર્લ્ડ શોપિંગમાં ત્રિમૂર્તિ નામની હોજીયેરીની દુકાન ધરાવે છે. ગત ૨૧ ડિસેમ્બરના રોજ તેઓ પોતાની દુકાન ઉપર હાજર હતા. તે દરમિયાન બપોરે ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા પિન્ટુભાઈ પ્રતાપજી માળી સ્વેટર લેવા માટે આવેલા અને સ્વેટરના ભાવ બાબતે રકઝક થતા પિન્ટુભાઈ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી દુકાનમાંથી જતો રહેલ. ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યાના સુમારે પિન્ટુભાઈ હાથમાં હથિયાર સાથે દુકાન ઉપર આવેલા અને ગાળો બોલવા લાગેલ. તેની સાથે અન્ય માણસો પણ આવેલા અને ઘાતક હથિયારો વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
આ મામલે શિવાભાઈ ખેંગારભાઈ માળીએ ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો ૩૨૩, ૩૨૪,૨૯૪,(બી), ૫૦૬, (૨), ૪૨૭ સહિતની વિવિધ કલમો હેઠળ કલ્પેશ દેવાજી માળી ,અનિલ કેસાજી માળી, પિન્ટુભાઈ પ્રતાપજી માળી અને રાયમલસિંગ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
