મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે, સોમવારે જિલ્લામાં વધુ 150 કોરોના પોઝિટિવ રિપોર્ટ સાથે અત્યાર સુધીના એક દિવસના કેસનો રેકોર્ડ ફરીથી તૂટ્યો છે. તો સોમવારે જિલ્લામાં માત્ર ૨ કોરોનાગ્રસ્તો જ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસ પણ રેકોર્ડ બ્રેક ૧૧૫૮ થઈ જતાં જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડે એવી સ્થિતિ વચ્ચે તંત્ર પણ ચિંતિત બન્યૂં છે અને જિલ્લામાં ૭ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના આદેશ કરાયા છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં કોરોનાએ હવે તો રીતસરનો કહેર વરતાવ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે. કોરોના ટેસ્ટ માટે સરકારી રાહે લેવાયેલાં ૭૩૨ સેમ્પલનું પરિણામ સોમવારે આવ્યું તેમાં ૧૪૩ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં સરકારી તંત્રની સાથે સાથે લોકોમાં પણ ગંભીર સ્થિતિને લઈને ફફડાટ ફેલાયો છે. સોમવારે પણ મહેસાણા શહેરના લગભગ તમામ વિસ્તારોમાં કુલ ૪૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા તો મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ ૧૭ પોઝિટિવ કેસ નોંધાવા સાથે તાલુકામાં કુલ ૫૯ કેસ નોંધાયા છે. તો કડી શહેરમાં પણ ૧૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૨ મળીને ૫૦ પોઝિટિવ કેસ નોંધાયા હોઈ કડીમાં પણ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણે લોકોને વિચારતા કરી મૂક્યા છે. જ્યારે વિસનગર શહેરમાં ૬ સહિત તાલુકામાં કુલ ૨૦ કેસ નોંધાયા છે. વિજાપુર તાલુકામાં ૭, ઊંઝા અને સતલાસણા તાલુકામાં ૨-૨ તેમજ વડનગર, જોટાણા અને બહુચરાજી તાલુકામાં ૧-૧ કેસ નવા નોંધાયા છે.
જિલ્લામાં નોંધાયેલા 150 કેસમાં શહેરી વિસ્તારના ૭૦ની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના પણ ૭૩ કેસ છે એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. 150 પોઝિટિવ દર્દીઓમાં ૪ વર્ષથી ૧૭ વર્ષની નાની ઉંમરના ૧૦ બાળકો-કિશોરો સંક્રમિત બન્યા છે. મહિલાઓની સાપેક્ષે પુરૂષોની સંખ્યા ખૂબ જ વધુ છે, 150માંથી માત્ર ૫૦ મહિલાઓ છે અને ૯૩ પુરૂષો કોરોનાની ઝપેટે ચઢ્યા છે.
