ભાવનગર જિલ્લાના રમત-ગમત અધિકારી અને ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહનાં પૂર્વ મેનેજર ડૉ. અરૂણ ભલાણી કોરોના સામે પોતાની જીંદગીનો જંગ હારી જતા કલા અને ખેલ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સ્વભાવે લાગણીશીલ અને સૌ કલાકાર કે ખેલાડીઓ સાથે આત્મીયતાભર્યો સંબંધ ધરાવનાર આ મહાનુભવે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
સદ્દગત સાથેની દાંડીયાત્રા વેળા ભટગામ તા.ઓલપાડ ખાતેની અંતિમ મુલાકાતને યાદ કરતાં વિજય પટેલ ( સી.આર.સી. કૉ-ઓર્ડિનેટર, કરંજ ) તથા નિલમ જયાણી ( શિખરમ્ એડવેન્ચર, સુરત )એ આઘાત સાથે જણાવ્યું હતું કે ડૉ.અરૂણ ભલાણી જેવાં બાહોશ અને કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યાનું અમોને ખૂબ દુઃખ છે. સાહિત્ય, કલા અને રમત-ગમત ક્ષેત્રે યુવાનોનાં સર્વાંગી વિકાસ માટે પોતાનું જીવન ખર્ચી નાંખનાર શિસ્તના ચુસ્ત આગ્રહી છતાં પણ સ્વભાવે માયાળુ એવા કુશળ આયોજનકર્તાની ખોટ હંમેશા ગુજરાતનાં યુવાધનને વર્તાશે.
તેઓએ ઉમેર્યુ હતું કે આ ઉમદા વ્યક્તિત્ત્વનાં નેતૃત્ત્વ હેઠળ સમગ્ર ગુજરાતનાં દરિયાકિનારા અને જંગલોનું પગપાળા પરિભ્રમણ ઉપરાંત બીજા અનેક રમત-ગમતને લગતા કાર્યક્રમો અમોને તથા અમારા રાજ્યભરનાં સાથી મિત્રોને હંમેશા યાદ રહેશે.
