Bhavnagar News: શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં તૈયાર કરાયેલા RCC રોડના અચાનક થયેલા ખોદકામથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુખ્ય માર્ગ પર થયેલા કામથી ટ્રાફિક જામ, અસુરક્ષા અને અસુવિધા વધી ગઈ છે, જેના કારણે સ્થાનિક વાસીઓમાં તંત્ર પ્રત્યેનો અવિશ્વાસ વધ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા દ્વારા આ મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, પીવાના પાણીના શુદ્ધ પુરવઠાના હેતુથી (waterline) આ પગલું લેવામાં આવ્યું છે અને કામ પૂરું થયા બાદ તરત જ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવશે. પરંતુ, છેલ્લા 10 દિવસથી કામ અધવચ્ચે લટકી પડ્યું હોવાથી, આ વિસ્તારમાં વાહનચાલકો અને પગપાળા ચાલનારાઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
કુંભારવાડા વિસ્તાર આંબેડકર સર્કલથી ગઢેચી વડલા ફાટક સુધીનો આ મુખ્ય માર્ગ થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. આ રોડનું નિર્માણ લગભગ 10 વર્ષ પહેલાંનું છે, જે શહેરના વ્યસ્ત વાહનચાલકો માટે મહત્વનું જોડાણ છે. જોકે, તંત્ર દ્વારા પીવાના પાણીના પુરવઠાને વધુ સુગમ અને શુદ્ધ બનાવવા માટે 200 મિમી ડાયામીટરની જૂની લાઇનને અપગ્રેડ કરી 300 મિમી ડાયામીટરની નવી લાઇન (waterline) નાખવાના નિર્ણય પર આ રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે.

પાણીની લાઇન (waterline) નખાશે
સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાના જણાવ્યા અનુસાર, જૂની લાઇન (waterline) ને કારણે નવા કનેક્શન આપવામાં મુશ્કેલી પડતી હતી, જેના કારણે કનેક્શનો તૂટતા અને ડ્રેનેજ પાણી ભળતું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કમિશનરની મંજૂરી સાથે સ્ટેન્ડિંગ કમિટીના મંજૂરી પછી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. “આ કામ જાહેર હિતમાં છે. પીવાના પાણીના પુરવઠાની સમસ્યા રોજિંદા જીવનને અસર કરતી હતી, તેથી આ પગલું લેવું પડ્યું. અમને પણ રોડ તોડવાથી નુકસાન થાય તેનો અહેસાસ છે, પરંતુ પ્રજા હિતને પ્રાધાન્ય આપીને આ કરવું પડ્યું,” તેમણે જણાવ્યું.
ડિમોલિશનનું કામ ત્યારે જ થયું, પરંતુ છેલ્લા 10 દિવસથી કામગીરી અધવચ્ચે જ રોકાઈ ગઈ છે. હાલમાં સેન્ટ્રલ ડિવાઈડર પાસેનો મોટો હિસ્સો ખોદાયેલો હોવાથી, આ ભારે ટ્રાફિકવાળો રોડ હવે સાંકડી સિંગલ પટ્ટીમાં ફેરવાઈ ગયો છે. ઊંડા ખાડાઓને કારણે વાહનોની ગતિ ઘટી ગઈ છે અને જામની સ્થિતિ સર્જાઈ છે. વધુમાં, મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના ભયસૂચક બોર્ડ, બેરિકેડ્સ કે વિશેષ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી.
આ પણ વાંચો:ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનમાં ટ્રેન સેવાઓના સમયમાં મોટો ફેરફાર
આ પણ વાંચો:ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને,બગદાણા PIની બદલી કરાઈ
