વિરોધ/ સુરતમાં ખેડૂતોને ભવિષ્યની ચિંતા : સોલાર પ્રોજેક્ટ મુદ્દે અકળાયેલા ખેડૂતો લડી લેવાના મૂડમાં

ઓલપાડના કુદીયાણા ગામે ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને પ્રોજેક્ટ રદ કરાવવાની માગ કરી રહ્યા છે.

Top Stories Gujarat Surat
ઓલપાડના

સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ કુદીયાણા ગામે સરકારના સોલાર પ્રોજેક્ટનો વિરોધ થઇ રહ્યો છે. ૩૦૦ વીઘા જમીનમાં આ પ્રોજેક્ટ સ્થપાવાનો છે. સરકાર દ્વારા જે જગ્યા પસંદ કરવામાં આવી છે એ જગ્યામાં પાણી ભરાતા ખેડુતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ અહીં વરસાદી પાણી ભરાય જાય છે ત્યારે પ્રોજેક્ટને લઇ જમીનમાં પુરાણ કરવામાં આવશે તો ખેતી પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ઓલપાડના..

વધુ વિગત અનુસાર સરકાર દ્વારા સ્થાપવામાં આવનાર સોલાર પ્રોજેક્ટ માટે જે જગ્યા ફાળવાય છે એ સમગ્ર વિસ્તારના આશરે ૪૦ ગામોનું વરસાદી પાણી આ ખાડીમાંથી સીધુ દરિયામાં જાય છે. દર વર્ષે અહીં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થાય છે. ખેડૂતોનું જો માનીએ તો, આ પ્રોજેક્ટ અમલમાં આવશે તો કાંઠા વિસ્તારના આશરે ૨૦ થી ૨૫ ગામડાઓની ખેતીપાક ડૂબાણમાં જવાની પણ દહેશત વર્તાય રહી છે. હાલમાં ૩ દિવસથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં ખેતરોમાં ૩ થી ૪ ફુટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં ઘોડા ખાડીની સાફસફાઇ કરવામાં નહિ આવતા ડ્રેનેજ વિભાગની લાલિયાવાડી સામે પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રોજેક્ટ રદ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ઓલપાડના

જો પ્રોજેક્ટ રદ કરવામાં નહિ આવશે તો ખેડૂતો વાહનરેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. સરકારનો આ પ્રોજેક્ટ ખેડૂતો માટે આફત બને એમ છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે, ખેડૂતોના વિરોધ બાદ સરકાર શું નિર્ણય લે છે?

આ પણ વાંચો : ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?