સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના કપરા કાળ વચ્ચે આજે મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ પવનના સૂસવાટા વચ્ચે જોરદાર વરસાદ ખાબક્યો હતા. જેના પગલે સુરેન્દ્રનગર શહેર, પાટડી, લખતર સહિતના તાલુકાઓમાં વિજળી ડુલ થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો. જ્યારે અનેક તાલુકાઓમાં પવનના તોફાન સાથે ખાબકેલા વરસાદમાં વૃક્ષો ધરાશાઇ થયા હતા.
ચોટીલા વિસ્તારમાં મોડી સાંજે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદનું કમોસમી ઝાપટું પડયું હતુ. ધ્રાંગધ્રામાં પણ જોરદાર પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારે લખતર તાલુકાનાં ઓળક ગામે કમોસમી વરસાદ પડ્યો હતો અને ગામ સોંસરવા પાણી નીકળ્યાં હતા. લખતર શહેરમાં પણ ભારે પવન શરૂ થતાં જ વીજળી ડુલ થઇ ગઇ હતી.

થાનમાં પણ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. પાટડીમાં જોરદાર વરસાદી ઝાપટા બાદ લાઇટો ડુલ થતાં કોરોનાના કપરા કાળમાં લોકો અકળાયા હતા. જ્યારે લાઇટો ડુલ થતા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની હાલત કફોડી થવા પામી હતી. આ લખાય છે કે, પાટડીમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયલું છે અને રાત્રે વધુ વરસાદ વરસવાની વકી છે. પાટડીમાં વરસાદી ઝાપડાથી વાતાવરણમાં બફારો જોવા મળ્યોં હતો. જ્યારે લીંબડી અને થાન સહિતના તાલુકાઓમાં વાવાઝોડા સાથે જોરદાર પવનના સૂસવાટાના લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

હળવદ રણમાં બે દિ’અગાઉ મીઠું પકવતા અસંખ્ય અગરિયાઓની સોલાર પેનલો ઉખડીને ફંગોળાતા લાખો રૂ.નું નુકશાન પહોંચ્યું હતુ. આ ઘટનાના પડઘા હજી શમ્યાં નથી ત્યાં આજે ફરી હળવદ રણમાં આંધી સાથે વાવાઝોડામાં સોલાર પેનલો ફંગોળાયાનો લાઇવ વિડીયોથી તબાહીનું મંજર જોવા મળ્યું હતુ.

