ખાનગી પેટ્રોલ પંપોએ હવે તમામ પરિસ્થિતિમાં ઈંધણ વેચવું પડશે. ભલે તે માત્ર થોડા કલાકો માટે જ વેચાય તેવો આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં ચાલતી પેટ્રોલ-ડીઝલની અછતનાં કારણે નુકસાન ટાળવા માટે ખાનગી પેટ્રોલ પંપો તેમની કામગીરીમાં, પેટ્રોલ વેચાણમાં ઘટાડો કરી રહ્યા છે. તેને રોકવા માટે સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ)નો વ્યાપ વિસ્તાર્યો છે. આ હેઠળ, જે કંપનીઓએ પેટ્રોલ પંપનું લાઇસન્સ મેળવ્યું છે તેઓએ તેમના તમામ પેટ્રોલપંપ પર અમુક સમય માટે એટલે કે નિર્ધારિત કામના કલાકોમાં ઈંઘણ વેચવું જ પડશે.
ઓઇલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ તમામ પેટ્રોલ પંપને USOના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી હવે જે પણ કંપનીને પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ માટે લાયસન્સ મળ્યું છે તેને તેના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંઘણ વેચવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું લાઇસન્સ રદ થઈ શકે છે. હકીકતમાં, ઈંઘણની માગમાં અચાનક વધારો થવાને કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને ગુજરાતમાં સરકારી ઓઈલ કંપનીઓના કેટલાક પેટ્રોલ પંપમાં પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ ગયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. આ સિવાય ખાનગી ઓઈલ રિટેલરો પણ સરકારી ઓઈલ કંપનીઓને ઓછા ભાવ મળતા ઓઈલને ટક્કર આપી શક્યા ન હતા. તેથી તેણે તેના વેચાણમાં ઘટાડો કર્યો હતો.
સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને પેટ્રોલ અને ડીઝલ વધેલા દર કરતા 15-25 રૂપિયા પ્રતિ લીટરના નીચા ભાવે મળી રહ્યું છે. બીજી બાજુ, ખાનગી ઇંધણ રિટેલર્સ જીઓ-બીપી અને નાયરા એનર્જીએ કેટલાક સ્થળોએ ઓઈલના ભાવમાં વધારો કર્યો અથવા વેચાણમાં ઘટાડો કર્યો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. વિવિધ મીડિયાનાં જુદા જુદા રિપોર્ટ્સ અનુસાર, સરકારી ઈંધણ રિટેલર્સ દ્વારા ક્રૂડ ઓઈલના ભાવ 10 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચવા છતાં 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ખાનગી પેટ્રોલ પંપો પર ઈંધણનું વેચાણ ન થવાને કારણે સરકારી પેટ્રોલ પંપો પર ભીડ જોવા મળી હતી અને પરિણામે ઘણી જગ્યાએ સ્ટોક ખતમ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં પેટ્રોલ- ડીઝલની અછત રોકવા અને સ્થિતિ સામાન્ય રાખવા માટે યુએસઓ નિયમોમાં ફેરફાર કર્યો છે.
આ પણ વાંચો : હવે બંદરો પર માત્ર ‘મેક ઇન ઇન્ડિયા’ શિપ દોડશે : શિપની વિશેષતા જાણવા વાંચો આ
