@ ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદમાં ચોરીનો અજીબો ગરીબ કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલી જાણીતી કંપની ડેન્ગી ડમ્સ કેક શોપમાં રોકડ તથા મોંઘીદાટ ચોકલેટની ચોરીની ઘટના સામે આવી છે. જોકે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ધવલ ઉર્ફે ટિંગો જાદવ નામનાં યુવકની ધરપકડ કરી છે. મેમનગર વિસ્તારમાં રહેતો આરોપી પૈસાની જરૂર પડતાં રાત્રી કરફ્યુના સમયમાં પાંજરાપોળ પાસે આવેલી કેક શોપને ટાર્ગેટ કરી તાળું તોડી અંદર ગલ્લામાં રહેલા 10 હજાર રૂપિયા રોકડા અને 17 હજાર રૂપિયાની કેક તથા ચોકલેટની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

ચોરીની તમામ હલચલ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીની અડધી રકમ રીકવર કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લોકડાઉન્ન બાદ પૈસાની અછત ઉભી થતા અને રોજગાર નહિ મળતા મજબૂરીમાં આરોપી ચોરીને અંજામ આપ્યો હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી રહ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ નવરંગપુરા અને વેજલપુરમાં ચોરીનાં ગુનામાં ઝડપાયેલો તેમજ પાસા પણ ભોગવી ચુકેલો હોવાનું ખુલ્યુ છે. તો આ સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
