Imran Khan Watches: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વિદેશી નેતાઓ તરફથી ભેટમાં મળેલી 3 મોંઘી ઘડિયાળો ગેરકાયદેસર રીતે વેચીને 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી. મીડિયાના એક સમાચારમાં આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રોની તપાસ વિગતો અનુસાર, વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઈમરાને આ કિંમતી રત્ન જડેલી ઘડિયાળોમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે, જેની કુલ કિંમત 15.4 કરોડ રૂપિયા છે.
પાકિસ્તાનના કાયદા અનુસાર વિદેશી નેતાઓ પાસેથી મળેલી કોઈપણ ભેટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય છે. સમાચારમાં દસ્તાવેજો અને વેચાણની રસીદોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તોશાખાનામાંથી આ કિંમતી ઘડિયાળો પોતાના પૈસાથી ખરીદવાને બદલે, ભૂતપૂર્વ ક્રિકેટરે પહેલા ઘડિયાળો વેચી અને દરેક ઘડિયાળની કિંમતના 20 ટકા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા.
દેખીતી રીતે ભેટો તોશાખાનામાં ક્યારેય જમા કરવામાં આવી ન હતી. કોઈપણ સરકારી અધિકારીને મળેલી ભેટ વિશે તરત જ જાણ કરવી જરૂરી છે, જેથી તેની કિંમત આંકી શકાય. જો કોઈ અધિકારી ગિફ્ટ પોતાની પાસે રાખવા માંગે છે તો તે પહેલા તેને જમા કરાવી શકે છે અને પછી નક્કી કિંમત ચૂકવીને લઈ શકે છે.તોશાખાનાના દસ્તાવેજો દર્શાવે છે કે ઈમરાને આ મોંઘી ઘડિયાળો વેચીને 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે તેને ગલ્ફના સાથીઓએ આપી હતી. 22 જાન્યુઆરી 2019ના રોજ એક ઘડિયાળ વેચવામાં આવી હતી. અગાઉ, તત્કાલીન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) સરકારે નિયમોમાં સુધારો કર્યો હતો અને કોઈપણ ભેટ જાળવી રાખવાની કિંમત તેના મૂલ્યાંકિત મૂલ્યના 20 ટકાથી 50 ટકા સુધી નક્કી કરી હતી.
પીટીઆઈના 69 વર્ષીય વડાએ અગાઉ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન કહ્યું હતું કે ‘મેરા તોહફા મેરી મરઝી’. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ખાને તેમના કાર્યકાળ દરમિયાન દુબઈમાં તોશાખાનાની ભેટ 14 કરોડ રૂપિયામાં વેચી હતી. આ દરમિયાન વર્તમાન ગઠબંધન સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ખાને કહ્યું કે જો ઝરદારી અને શરીફ પરિવારો દ્વારા વિદેશમાં રોકાયેલા અબજો ડોલર પાછા લાવવામાં આવે તો જ દેશની અર્થવ્યવસ્થા પુનઃપ્રાપ્ત થઈ શકે છે. નિષ્પક્ષ અને પારદર્શક સામાન્ય ચૂંટણીની માંગને પુનરાવર્તિત કરતા ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું કે દેશને રાજકીય ઉથલપાથલમાંથી બહાર લાવવાનો આ એકમાત્ર રસ્તો છે.
આ પણ વાંચો: Operation lotus / અઢી વર્ષ બાદ બીજેપીનું ઓપરેશન લોટસ સફળ, આખરે શાહની રણનીતિ ફરી કામ આવી
