હાલોલ ન.પાલિકાની મુલાકાત માટે સૌ પ્રથમ આવેલા વડોદરા પ્રાદેશિક કમિશનર સુશ્રી પ્રશસ્તિ પારેખ સમક્ષ સદસ્યો સાથેની ઔપચારિક મુલાકાત અને શહેરના વિકાસ કાર્યો સંદર્ભની આ ચર્ચાઓ દરમિયાન વિરોધપક્ષના નેતા સલીમ પાનવાલા એ હાલોલ પાલિકા સત્તાધીશોના લઘુમતી વિસ્તારોને વિકાસ કાર્યો અને આવશ્યક સુવિધાઓ માંથી બાદબાકી કરવાના ઈરાદાપૂર્વકના વહીવટ સામે પ્રાદેશિક કમિશનરને લેખિત પત્ર આપીને મૌખિક રજુઆત કરતા એક તબકકે સ્તબ્ધતા પ્રસરી જવા પામી હતી.
આ સંદર્ભમાં હાલોલના ચીફ ઓફિસર વિરાજ શાહ પોતાના વહીવટની જવાબદારીઓનો ખુલાસો કરે આ પૂર્વે જ વડોદરા પ્રાદેશિક કમિશનર સુશ્રી પ્રશસ્તિ પારેખે વિરોધપક્ષના નેતા સલીમ પાનવાલાને સાથે રાખીને લઘુમતી વિસ્તારના જાહેર માર્ગની રૂબરૂમાં મુલાકાત લેતા સાફ સફાઈના અભાવે કચરા અને ગંદકીઓના દેખાયેલા દ્રશ્યોની ગંભીર નોંધ સાથે રવાના થતા પાલિકા તંત્રમાં અંદરખાને હડકંપ પ્રસરી જવા પામ્યો છે.
વડોદરા સ્થિત નગર પાલિકાઓ પ્રાદેશિક કમિશનર સુશ્રી પ્રશસ્તિ પારેખની હાલોલ ન.પાલિકાની સૌ પ્રથમ મુલાકાતને શુભેચ્છાઓ સાથે “ફૂલોના બુકે” સાથે સ્વાગત કર્યા બાદ વિરોધપક્ષના નેતા સલીમ પાનવાલાએ હાલોલ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા લઘુમતી વિસ્તારોના પ્રજાજનો પણ ભારતના નાગરીક અને મતદારો હોવા છતાં પણ વિકાસના કામો અને આવશ્યક સેવાઓમાં મુખ્યત્વે સાફ સફાઈના કાર્યોમાં પણ વંચિત રહે એવા ભાગલાવાદી રાજકારણને પ્રોત્સાહન આપી રહયા હોવાની ધારદાર રજુઆત કરી હતી. એમાં હાલોલ પાલિકાના ચીફ ઓફિસર શહેર વિકાસથી વંચિત રહે એવો બેજવાબદાર વહીવટ કરી રહયા છે અને સમગ્ર શહેરના પ્રજાજનો ભારે મુશ્કેલીઓ સહન કરી રહયા હોવાની અસરકારક રજુઆત કરી હતી.!!
