બ્રાઝિલમાં મંકીપોક્સથી સંક્રમિત 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આફ્રિકા બહાર આ રોગથી થયેલું આ પ્રથમ મૃત્યુ છે. રિપોર્ટ અનુસાર, ચેપ પછી, વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણપૂર્વ મિનાસ ગેરાઈસ રાજ્યની રાજધાની બેલો હોરિઝોન્ટેમાં તેમનું અવસાન થયું.
રાજ્યના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હોસ્પિટલમાં તેમની ગંભીર હાલતમાં સારવાર કરવામાં આવી રહી છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના લગભગ 1,000 કેસ નોંધાયા છે. પહેલો કેસ 10 જૂને અહીં જોવા મળ્યો હતો. ચેપગ્રસ્ત વ્યક્તિ યુરોપના પ્રવાસેથી પરત ફર્યો હતો.

સ્પેનમાં પણ મંકીપોક્સથી પ્રથમ મૃત્યુ નોંધાયું હતું
સ્પેનમાં પણ મંકીપોક્સથી એક વ્યક્તિનું મોત થયું છે. સ્પેનિશ મીડિયા અનુસાર, દેશમાં મંકીપોક્સથી મૃત્યુનો આ પહેલો કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મંકીપોક્સથી સંક્રમિત 120 લોકોને અત્યાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે.
મંત્રાલયે મૃત્યુ વિશે વધુ વિગતો આપી નથી. તેમણે કહ્યું કે, સ્પેનમાં અત્યાર સુધીમાં 4,298 લોકો વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી લગભગ 3,500 એવા પુરૂષો છે જેઓ અન્ય પુરૂષો સાથે સેક્સ કરે છે. ચેપના કેસોમાંથી માત્ર 64 મહિલાઓ છે.
ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 4 કેસ મળી આવ્યા છે
જો ભારતની વાત કરીએ તો 27 જુલાઈ સુધી દેશમાં મંકીપોક્સના ચાર કેસની પુષ્ટિ થઈ છે, જેમાં ત્રણ કેરળ અને એક દિલ્હીમાં આવ્યો છે. સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે કહ્યું કે દેશમાં મંકીપોક્સથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી. તેમણે એમ પણ કહ્યું કે, દેશના કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મે મહિનાથી કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો ફફડાટ, સોલા સિવિલમાં એકનું મોત
