અમદાવાદ/ મ્યુનિ. શાળાઓમાં ‘પ્રવાસી શિક્ષક’ની પ્રથા દાખલ કરાઇ

અમદાવાદ મ્યુનિ.  સ્કૂલ બોર્ડનું રૂ. 593 કરોડનું જંગી બજેટ હોવા છતાં શિક્ષણનું સ્તર ખાડે ગયેલું છે.  શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા 10 વર્ષથી ઘટતી જાય છે. અને સામે બજેટ મોટું થતું જાય છે.  તે બાબત સમજી ના શકાય તેવી છે.  વિદ્યાસહાયક-હેલ્પર બાદ હવે ‘પ્રવાસી શિક્ષક’ની નવતર યોજના આવી છે !

Top Stories Gujarat

@પ્રફુલ ત્રિવેદી

અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડનું રૂ. 593 કરોડનું જંગી બજેટ હોવા છતાં શિક્ષણનું સ્તર અત્યંત નીચું છે. શાળાઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા છેલ્લા 10 વર્ષથી ક્રમશ: ઘટતી જાય છે. અને આશ્ચર્યજનક રીતે બજેટનું કદ મોટું થતું જાય છે. વિદ્યાર્થી દીઠ વર્ષે 15000 થી વધુ ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ૬ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને તેનું નામ લખતા પણ આવડતું નહિ હોવાની છાપ દ્રઢ થતી જાય છે.  ગરીબ માણસ દેવું કરીને પણ તેમના સંતાનને ખાનગી શાળામાં ભણાવવા ઈચ્છે છે.

મ્યુનિ. શાળાઓમાં વિદ્યાસહાય બાદ હવે ઘટતાં શિક્ષકો સામે પ્રવાસી શિક્ષક લેવાનો નિર્ણય લેવાયો છે.  ‘પ્રવાસી’શબ્દ આમ તો ટેમ્પરરી માટે બંધ બેસતો નથી. ‘ સરકારી ગુજરાતી’માં  ગુજરાતી શબ્દો જ ખોટી રીતે વપરાતા હોય છે, તેવો આ નમૂનો છે. પ્રવાસી શિક્ષકોને ૬ પિરિયડ ના રૂ. ૫૬૦ અને મહિને વધુમાં વધુ રૂ. ૧૦૫૦૦ ચૂકવવાનું નક્કી થયું છે. અને આ અંગે વિધિવત પરિપત્ર પણ બહાર પડાયો છે. પ્રાથમિક વિભાગમાં ૧૬૪ શાળાઓમાં અને ધો ૬ થી ૮ ની ૨૪ શાળાઓમાં આવા પ્રવાસી શિક્ષકો લેવાવાના છે.  આમ કુલ ૧૮૮  શાળાઓમાં પૂર્ણ સમયના શિક્ષકો ઘટે છે.

બીજી તરફ ૩૭ શાળાઓમાં અંગ્રેજી માધ્યમ શરૂ તો કરી દેવાયું છે.  પણ શિક્ષકો માત્ર ૪૫ થી ૪૬ જેટલા જ છે. ફૂલ ટાઈમ શિક્ષકોની ખેંચ હોવાથી ઉચ્ચક પગારથી ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ  પર શિક્ષકો લેવામાં આવી રહ્યા છે. અંગ્રેજી માધ્યમનું સંતાનોના માતા-પિતામાં મોટું આકર્ષણ છે. પોતાના પુત્ર કે પુત્રી ને શાળામાં દાખલ તો કરી દે છે, પરંતુ પૂરતા શિક્ષકો નહીં હોવાથી તેમનું શિક્ષણ બગડે છે. શિક્ષકની વ્યવસ્થા કર્યા વગર જ સ્કૂલબોર્ડ અંગ્રેજી માધ્યમની જાહેરાત કેમ કરી દે છે, તે સમજી શકતું નથી.

સ્કૂલબોર્ડના બજેટની રકમ અને થનાર ખર્ચ સામે પણ અનેક વખત સવાલ ઊભા થાય છે. હાલ સુજય મહેતા જેવા શિક્ષિત યુવાનને ચેરમેન બનાવ્યા હોવાથી વહીવટમાં અને શિક્ષણના સત્રમાં સુધારો થશે તેવી આશા બંધાઈ છે.