- રાજ્ય સરકારના ચૂંટણી ટાણે પ્રજાલક્ષી નિર્ણયો
- કોંગ્રેસ-આપના પ્રહારની રાજ્ય સરકાર પર અસર પડી
- સરકારના નિર્ણયથી 38 લાખ ગૃહિણીઓને ફાયદો થશે
- વેટમાં દસ ટકા ઘટાડાથી 21.21 લાખ ગ્રાહકો અને 14 લાખ સીએનજી ચાલકોને રાહત
કોંગ્રેસ અને આપ દ્વારા ગેસના ભાવવધારાના મુદ્દે સરકાર પર વારંવાર પ્રહારો કરવામાં આવતા ગુજરાત સરકારે છેવટે ચૂંટણી પહેલા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષે બે ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય લીધો છે. તેની જોડે-જોડે સીએનજી અને પીએનજી પરના વેટમાં પણ દસ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયના લીધે 38 લાખ ગેસધારકોને રાહત થશે. તેની સાથે-સાથે પીએનજીના 21.21 લાખ ગ્રાહકો અને સીએનજી વાહનો ધરાવનારાઓને પણ રાહત થશે.
આ સિવાય ખેડૂતોને વરસાદના લીધે થયેલા નુકસાન પેટે 600 કરોડનું પેકેજ પણ જાહેર કરવામાં આવી શકે છે. તેની સાથે વડાપ્રધાન કિસાન સમ્માન નિધિનો 12મો હપ્તો જાહેર કર્યો છે. તેના પગલે દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થયા છે. આમ 16 હજાર કરોડ રૂપિયાની રકમ સીધી જમા કરાવવામાં આવી છે.
રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેટલી રાહત મળવાની છે. સરકારના આ નિર્ણયના લીધે જનતાને સીધો 1,700 કરોડથી વધુ રકમનો ફાયદો થશે તેમ મનાય છે. તાજેતરમાં પીએનજી ગેસના ભાવ તથા સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો ગરીબ તેમજ નિમ્ન મધ્યમ વર્ગ માટે બોજારૂપ નીવડ્યો છે ત્યારે સરકારની આ જાહેરાત તેમના માટે રાહતરૂપ નીવડશે. જો કે તે યાદ રાખવું જરૂરી છે કે આ બે ફ્રી ગેસ સિલિન્ડર ફક્ત ઉજ્જવલા યોજનાના લાભાર્થી માટે જ છે. તેથી જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી ન હોય તેમને આમાની રાહત નહી મળે.
