કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘણા નક્કર પગલાં લેવામાં આવ્યા છે. શ્રીનગરમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળો પર પથ્થરમારોનો મામલો પણ સામે આવ્યો હતો. પોલીસે આ મામલે 15 લોકોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 16 માર્ચે શ્રીનગરના નૌગામમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થળની સફાઈ કરવામાં આવી રહી હતી. દરમિયાન, એક વિશાળ બેકાબૂ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો.
શ્રીનગર પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “યોગ્ય પ્રક્રિયા મુજબ, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્કાઉન્ટર સાઇટને સેનિટાઇઝ કરવામાં આવી રહી હતી. એન્કાઉન્ટર સાઇટની આસપાસ સાઇનબોર્ડ્સ પણ મૂકવામાં આવ્યા હતા.” પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “શંકરપોરા વનાબલની આસપાસના વિસ્તારોમાંથી એક મોટું અનિયંત્રિત ટોળું હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને એકત્ર થયું હતું અને તૈનાત કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. ભીડને વિખેરવા માટે ધુમાડાના ગોળાનો ઉપયોગ કરવો પડ્યો હતો.”
પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોગામ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં 15 લોકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસે આતંકવાદીઓ પાસેથી બચેલા વિસ્ફોટકોની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાગરિકોને એન્કાઉન્ટર સાઇટ્સથી દૂર રહેવાની વિનંતી પણ કરી હતી.
