Ravindra Jadeja Injury: એશિયા કપ 2022માં ભારતે તેની પ્રથમ બે મેચ જીતીને સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.ટીમ તેની આગામી મેચ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની વિજેતા સામે રમશે, પરંતુ રવિવારે રમાનારી મેચ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
બીસીસીઆઈએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ચાલુ એશિયા કપમાં રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલની પસંદગી કરી છે. રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના સ્થાને અક્ષર પટેલની અગાઉ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે પસંદગી કરવામાં આવી હતી અને તે ટૂંક સમયમાં જ દુબઈમાં ટીમ સાથે જોડાશે. ભારતીય ચાહકો હવે રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. વિન્ડીઝના તાજેતરના પ્રવાસ પરની બીજી વનડે મેચમાં અક્ષરે અણનમ 64 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે મેચમાં 311 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 80 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગે ભારતને જીત અપાવી હતી. અક્ષરે T20 ઇન્ટરનેશનલમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, કુલ સાત વિકેટ સાથે શ્રેણી પૂરી કરી.
ભારત સુપર ફોરમાં પહોંચી ગયું
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022ના સુપર-ફોરમાં પહોંચી ગઈ છે. પ્રથમ મેચમાં જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. બીજી મેચમાં તેણે હોંગકોંગને 40 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે પાકિસ્તાન/હોંગકોંગ સામે ટકરાશે.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ.
આ પણ વાંચો: Gujarat/ તિસ્તા સેતલવાડને રાહત, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા
આ પણ વાંચો: Afghanistan Blast/ ફરી ધ્રુજ્યું અફઘાનિસ્તાન, ગુજરગાહ મસ્જિદમાં થયો બ્લાસ્ટ: ઈમામનું દર્દનાક મોત
