સતત 2 અઠવાડિયા સુધી નફામાં રહ્યા બાદ સોમવારે પણ સ્થાનિક શેરબજારની શરૂઆત સારી રહી હતી. વૈશ્વિક બજારના સમર્થન વચ્ચે આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 600 પોઈન્ટથી વધુ ઉપર ચઢ્યો હતો. NSE નિફ્ટી પણ ફરી 16,500 પોઈન્ટનું સ્તર મેળવવામાં સફળ રહ્યો.
પ્રી-ઓપનથી જ માર્કેટ સારી શરૂઆતના સંકેત દેખાડી રહ્યું હતું. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 623 પોઈન્ટ સુધી ચઢ્યો હતો. NSE નિફ્ટીમાં પણ 180 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. સિંગાપોરમાં પણ SGX નિફ્ટી ઊંચકાયો હતો. સત્રની શરૂઆત બાદ સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ મજબૂત બન્યો હતો અને 55,500ના આંકને પાર કરી ગયો હતો. સવારે 09:30 વાગ્યે સેન્સેક્સ 815 પોઈન્ટથી વધુ વધીને 55,700 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 240 પોઈન્ટના વધારા સાથે 16,600ની નજીક પહોંચી ગયો હતો.
આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 632.13 પોઈન્ટ (1.17 ટકા) વધીને 54,884.66 પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 182.30 પોઈન્ટ (1.13 ટકા)ના વધારા સાથે 16,352.45 પર બંધ રહ્યો હતો. આ લાંબા સમય પછી બન્યું છે જ્યારે બજારે સાપ્તાહિક ધોરણે સતત બીજીવાર વધારો નોંધાવ્યો હતો. ગયા સપ્તાહે બજાર 0.48 ટકા મજબૂત રહ્યું હતું. ગયા સપ્તાહે બજાર લગભગ રોજેરોજ અસ્થિર બની રહ્યું હતું.
વૈશ્વિક બજારનો ટ્રેન્ડ આજે સ્થાનિક બજારને ટેકો આપી રહ્યો છે. શુક્રવારે યુએસ માર્કેટમાં તેજી જોવા મળી હતી. યુએસ માર્કેટ માટે છેલ્લું સપ્તાહ આ વર્ષનું શ્રેષ્ઠ સાબિત થયું. ગયા અઠવાડિયે, S&P 500 6.6 ટકા ઉછળ્યો, જ્યારે Nasdaq Composite Index 6.8 ટકા વધ્યો.
જેના કારણે સોમવારે એશિયન બજારો ત્રણ સપ્તાહની ટોચે પહોંચી ગયા હતા. જાપાનનો નિક્કી 2 ટકા જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.2 ટકા વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.8 ટકા સુધર્યો હતો. યુએસ ડૉલર લગભગ પાંચ સપ્તાહના નીચા સ્તરે આવતાં બજારને પણ મદદ મળી રહી છે.

